પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે એક મસ્જિદ નજીક આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા હતા અને 130થી વધુ લોકો ઘાયલ થયા હતા. લોકો પયગંબર મોહમ્મદના જન્મદિવસની ઉજવણી માટે એક રેલી માટે એકઠા થયાં હતાં ત્યારે મસ્તુંગ જિલ્લાની મદિના મસ્જિદ નજીક આ વિસ્ફોટ થયો હતો.
મસ્તુંગના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) નવાઝ ગશકોરીનું પણ મોત થયું હતું. સિટી સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) મોહમ્મદ જાવેદ લેહરીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ આત્મઘાતી વિસ્ફોટ હતો અને બોમ્બરે ડીએસપીની કારની બાજુમાં પોતાની જાતને ઉડાવીને વિસ્ફોટ કર્યો હતો. ઘાયલોને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલોમાં ઇમર્જન્સી જાહેર કરાઈ હતી. શહીદ નવાબ ઘોસ બખ્શ રાયસાની મેમોરિયલ હોસ્પિટલના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. સઈદ મીરવાનીને ટાંકીને ડૉન અખબારે જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા હતા અને 130 થી વધુ ઘાયલ થયા હતા.
બલૂચિસ્તાનના વચગાળાના માહિતી પ્રધાન જાન અચકઝાઈએ કહ્યું કે બચાવ ટીમો મસ્તુંગ માટે રવાના કરવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ લોકોને ક્વેટા ખસેડવામાં આવી રહ્યા છે અને તમામ હોસ્પિટલોમાં કટોકટી લાદવામાં આવી છે. દુશ્મન વિદેશી મદદથી બલૂચિસ્તાનમાં ધાર્મિક સહિષ્ણુતા અને શાંતિને નષ્ટ કરવા માંગે છે. કાર્યપાલક મુખ્યપ્રધાન અલી મર્દાન ડોમકીએ અધિકારીઓને વિસ્ફોટ માટે જવાબદાર લોકોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.