ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર એડવાઇઝરી સર્વિસિસે શેરધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડમાં અનંત અંબાણીની નિમણૂકની વિરુદ્ધમાં મત આપવાની ભલામણ કરી હતી. જોકે, એડવાઇઝરી કંપનીએ એક નોંધમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણીને મત આપવાની ભલામણ કરી હતી.
મુકેશ અંબાણીની માલિકીના રિલાયન્સના શેરધારકો ત્રણેય ભાઈ-બહેનોની નોન એક્ઝિક્યુટિવ, બિન-સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમણૂક પર મતદાન કરવા માટે તૈયાર છે. શેરહોલ્ડરના વોટિંગના પરિણામ 30 ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે.
એડવાઇઝરી ફર્મે મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર સામે મત આપવાનું કારણ “ગવર્નન્સ મેટર્સ”ને ટાંક્યું હતું. IiASની મતદાન માર્ગદર્શિકા અનુસાર એક્ઝિક્યુટિવ અથવા નોન-એક્ઝિક્યુટિવ બિન-સ્વતંત્ર ડાયરેક્ટરના ઉમેદવાર પાસે 10 વર્ષથી ઓછો અનુભવ હોય અથવા તેમની ઉંમર 30 વર્ષથી ઓછી હોય તો તે શેરહોલ્ડર્સને તેમની વિરુદ્ધમાં મતદાન કરવાની ભલામણ કરવામાં આવે છે.
અનંત અંબાણી 28 વર્ષના છે અને તેઓ માર્ચ 2020થી Jio પ્લેટફોર્મ સહિત રિલાયન્સ ગ્રૂપની કંપનીઓના બોર્ડમાં સેવા આપી રહ્યા છે. તેઓ મે 2022થી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના બોર્ડમાં પણ છે. એડવાઇઝરી કંપનીએ જણાવ્યું હતું કે 28 વર્ષની ઉંમરે નોન એક્ઝિક્યુટિવ, બિન-સ્વતંત્ર ડાયરેક્ટર તરીકેની તેમની નિમણૂક અમારા મતદાન માર્ગદર્શિકા સાથે સુસંગત નથી.