પ. પૂ. આચાર્ય શ્રી સ્વામી અવધેશાનંદગીરી જીએ યુ.કે.ની મુલાકાત દરમિયાન ત્રણ દિવસ માટે લેસ્ટરની મુલાકાત લઇ સમન્વય પરિવાર હોલ, લેસ્ટર ખાતે સનાતન ધર્મના અનન્ય સ્વભાવ અને સર્વોચ્ચ બ્રહ્મ સાથે એકતાના એક ધ્યેય તરફના વિવિધ માર્ગો વિશે વાત કરી પ્રવચન આપ્યું હતું.

પ. પૂ. આચાર્ય શ્રીએ જણાવ્યું હતું કે ‘’મહાન રાષ્ટ્ર ભારતના વંશજો તરીકે હિન્દુઓએ બ્રિટનમાં લાવેલી સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને સફળતા હિન્દુ ધર્મની શક્તિ અને વિશિષ્ટતાને આભારી છે. સૌ ભારતીયોને પોતાની સંસ્કૃતિ, ભાષા, પહેરવેશ, ધાર્મિક પ્રથાઓ અને સહિષ્ણુતા જાળવી રાખવા જોઇએ. હું આ માટે ઉપસ્થિત સૌ શ્રોતાઓને અભિનંદન આપું છું. આપણા વ્યસ્ત જીવનમાં દૈનિક પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. મહાત્મા ગાંધી ગમે તેટલા લોકો તેમને મળવાની રાહ જોતા હોય પણ તેઓ પ્રાર્થના માટે ફાળવવામાં આવેલ સમય ક્યારેય ચૂકતા નહતા.’’

આચાર્ય શ્રીએ બ્રહ્મલીન સ્વામી પ. પૂ. સત્યમિત્રાનંદ ગીરીજી મહારાજને પણ શ્રદ્ધાંજલિ આપી હતી અને લેસ્ટરની ચેરિટી સમન્વય પરિવાર દ્વારા સ્થાપિત અને 2009માં પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગીરીજી દ્વારા અનાવરણ કરાયેલ મહાત્મા ગાંધીની પ્રતિમાની મુલાકાત લીધી હતી.

લંડન પરત ફર્યા બાદ આચાર્ય શ્રીએ હેરોના શ્રી કડવા પાટીદાર સેન્ટરમાં આધ્યાત્મિક પ્રવચન આપ્યું અને અદ્વૈતના સિદ્ધાંતના પ્રવર્તક આદિ ગુરુ શંકરાચાર્ય વિશે વાત કરી હતી.

યુ.કે.ની મુલાકાત પહેલા આચાર્ય શ્રી ઓમકારેશ્વરમાં “ધ સ્ટેચ્યુ ઓફ વનનેસ” તરીકે ઓળખાતી આદિ ગુરુ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણમાં અન્ય ધાર્મિક મહાનુભાવો વચ્ચે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY