લંડનમાં યુગાન્ડા હાઈ કમિશન દ્વારા ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન, લંડન ખાતે 12મી ઓક્ટોબર 2023ના રોજ 61મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.

“સસ્ટેનિંગ એ યુનાઈટેડ એન્ડ પ્રોગ્રેસિવ નેશન: ટેકીંગ ચાર્જ ઓફ અવર ફ્યુચર એઝ અ ફ્રી નેશન” થીમ હેઠળની ઉજવણીમાં બાંગ્લા દેશના હાઇ કમિશ્નર, એમપી વિરેન્દ્ર શર્મા, યુકે સરકારના અધિકારીઓ, યુગાન્ડન ડાયસ્પોરાના સભ્યો, યુગાન્ડાના ભારતીય મૂળના મિત્રો અને રાજદ્વારીઓ સહિત 400થી વધુ અગ્રણીઓ ઉપસ્થિત થયા હતા. આ ઉજવણીએ દેશની સામાજિક-આર્થિક પરિવર્તન યાત્રામાં સતત પ્રગતિને પ્રતિબિંબિત કરી હતી.

આયર્લેન્ડમાં માન્યતા પ્રાપ્ત યુકેના યુગાન્ડન હાઈ કમિશનર H.E. નિમિષા માધવાણીએએ તેમની નોંધપાત્ર સિદ્ધિઓ પર પ્રકાશ પાડી પ્રમુખ યોવેરી મુસેવેની અને NRM સરકારની ઉપલબ્ધીઓ વિષે માહિતી આપી હતી.

તેમણે પોતાના વક્તવ્યમાં યુગાન્ડા અને યુકે વચ્ચે પરસ્પર ફાયદાકારક વ્યાપારી અને આર્થિક સંબંધોને મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે અર્થતંત્રના વિકાસ માટે યુગાન્ડન ડાયસ્પોરાના લોકો સહિત યુકેના વ્યાપારી સમુદાયોને યુગાન્ડામાં કૃષિ અને એગ્રો પ્રોસેસીંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસન, તેલ અને ગેસ, આઈસીટી, ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ સહિત વિકાસમાં મૂલ્યવાન રોકાણની તકોનો લાભ લેવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે યુકે સરકાર વતી ઉપસ્થિત રહેલા ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસના ડાયરેક્ટર જનરલ ડિપાર્ટમેન્ટ ઑફ આફ્રિકા અને લેટિન અમેરિકા, સુશ્રી હેરિયેટ મેથ્યુઝે યુગાન્ડાને તેની 61મી સ્વતંત્રતાની ઉજવણી બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વેપાર, રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેલ અને ગેસ, સુરક્ષા, માનવ અધિકાર અને શાસનના ક્ષેત્રોમાં પરસ્પર લાભો માટે યુગાન્ડા સાથે સારા સૌહાર્દપૂર્ણ સંબંધોને મજબૂત કરવા યુકેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ પ્રસંગે અમામા મ્બાબાઝીએ યુગાન્ડાની સ્વતંત્રતાના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો. તો NSSF સ્ટ્રેટેજીક પાર્ટનરશીપના સીનીયર મેનેજર સુશ્રી પેનિનાહ કબાગમ્બે, હાઉસિંગ ફાઈનાન્સ બેંકના હાઈ નેટ-વર્થ અને ડાયસ્પોરાના મેનેજર સુશ્રી હેલન કે. મુસુબિકા અને યુગાન્ડન ડાયસ્પોરાના પ્રતિનિધિ જોએલ કિબાઝોએ પ્રસંગીક પ્રવચન કર્યા હતા.

LEAVE A REPLY

one × three =