વડા પ્રધાન ઋષિ સુનકે ગુરુવારે ઈઝરાયેલ સહિત મધ્ય પૂર્વના દેશોની એક દિવસીય મુલાકાત દરમિયાન ઈઝરાયલની સાથે “સૌથી અંધકારમય ઘડી”માં ઊભા રહેવાનું વચન આપ્યું હતું અને ગાઝામાં માનવતાવાદી કોરિડોર ખોલવાનું સ્વાગત કર્યું હતું. તેઓ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ અને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળીને બેઠકો કરી હતી. નેતન્યાહુએ તેમને “મારા મિત્ર” તરીકે વર્ણવ્યા હતા.
સુનાકે તેમના ઇઝરાયેલી સમકક્ષ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે ‘’ઇઝરાયેલની સૌથી અંધકારમય ઘડીમાં તમારી સાથે ઉભા રહેતા મને ગર્વ છે, તમારા મિત્ર તરીકે અમે તમારી સાથે એકતામાં ઊભા રહીશું. હું ઈચ્છું છું કે તમે જીતો. આ ભયાનકતામાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને આપેલા સમર્થન માટે હું તમારી સરકારનો આભાર માનું છું. યુકે જાણે છે કે ભયંકર સંજોગોમાં” ઇઝરાયેલ નાગરિકોની સુરક્ષા માટે દરેક સાવચેતી લઈ રહ્યું છે.’’
તેમણે ઇઝરાયેલના પ્રમુખ હરઝોગ સાથે વાટાઘાટો કરી હતી. સુનકે તેલ અવીવમાં ઉતરતાંની સાથે ટ્વીટ કર્યું હતું કે “હું ઇઝરાયેલમાં છું, એક રાષ્ટ્ર શોકમાં છે. હું તમારી સાથે દુ:ખી છું અને આતંકવાદની અનિષ્ટ સામે આજે, અને હંમેશા તમારી સાથે ઉભો છું. હું અહીં ઇઝરાયેલના લોકો સાથે મારી એકતા વ્યક્ત કરવા આવ્યો છું. તમે આતંકવાદના અકથ્ય, ભયાનક કૃત્યનો ભોગ બન્યા છો અને હું ઇચ્છું છું કે તમે જાણો કે યુકે અને હું તમારી સાથે ઉભા છીએ.”
યુકેના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ પ્રદેશમાં સંઘર્ષને ફેલાતો અટકાવવા અને શાંતિપૂર્ણ ઉકેલ તરફ કામ કરવા માટે ગત ગુરુવારે રાત્રે મધ્ય પૂર્વના દેશોની મુલાકાત શરૂ કરી હતી. તેઓ ઇજિપ્ત, તુર્કી અને કતારમાં વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા.