ગાંધીનગર ખાતે આગામી 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ યોજાવા જઇ રહ્યું છે. આ 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 2 ઓક્ટોબરથી ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2023 એટલે કે ગાંધીજયંતીથી સરદાર પટેલ જયંતી દરમિયાન રાજ્યના કુલ 32 જિલ્લાઓમાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર મહિના દરમિયાન ગુજરાતના 32 જિલ્લાઓમાં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમો દરમિયાન ₹45,603.71 કરોડના પ્રસ્તાવિત રોકાણો સાથે કુલ 2614 એમઓયુ કરવામાં આવ્યા છે. આ એમઓયુ થકી રાજ્યમાં 1,70,883 જેટલી સંભવિત રોજગારીઓ ઉત્પન્ન થશે.

2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે ગુજરાતના તાપી જિલ્લાથી વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ, ક્રમવાર રાજ્યના તમામ જિલ્લાઓમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
32 જિલ્લાઓમાં યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ દરમિયાન આયોજિત થયેલા એક્ઝિબિશન્સમાં કુલ 996 સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા, જેના માધ્યમથી સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રહેલી ઉદ્યોગોની અપાર સંભાવનાઓને ઓળખવામાં આવી છે, જેનાથી નાના-મોટા ઉદ્યોગોને ઘણો જ લાભ થશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2003 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે વિકસિત થઈ છે.

LEAVE A REPLY