A modern museum-library will be constructed at the birthplace of Zhaverchand Meghani

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શનિવારે ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને પુસ્તકાલયનું ખાતમુહુર્ત કર્યું હતું. રૂ. ૨૯.૫૧ કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આધુનિક સંગ્રહાલય અને રૂ. ૩.૩૯ કરોડના ખર્ચે સરકારી પુસ્તકાલયનું નિર્માણ કરાશે. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી વર્ષની ઉજવણી અંતર્ગત તેમના જન્મ સ્થળ ચોટીલા ખાતે સંગ્રહાલય તૈયાર કરવા સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે અને સંગ્રહાલય માટે રૂ.૨૯.૫૧ કરોડનું બજેટ મંજુર કરાયું છે. આ સંગ્રહાલયમાં શ્રી ઝવેરચંદ મેઘાણીના પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં યોગદાનને પ્રદર્શિત કરાશે.

આ ઉપરાંત, ચોટીલાના તાલુકા પુસ્તકાલયને, ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય’ એવું નામ આપવામાં આવ્યું છે. હાલનું ભવન નાનું હોવાથી રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ બે માળના અત્યાધુનિક સરકારી પુસ્તકાલયનું નિર્માણ થશે. આ પુસ્તકાલયમાં મેઘાણીજીના તમામ સાહિત્ય સર્જનને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનો વાચકો સંશોધકો પણ ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત મુખ્ય પ્રધાને સુરેન્દ્રનગર શહેરમાં રૂ. ૬.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનના પરિસરની મુલાકાત લઈને મુસાફરો માટે ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

LEAVE A REPLY

twenty − 9 =