AAHOA (એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન), જે 20,000 જેટલા હોટેલ માલિકોનું પ્રતિનિધિત્વ કરે છે અને દેશની 60 ટકા હોટેલને સહયોગ કરે છે, તે 100 થી વધુ બિઝનેસ, હિમાયતી અને જુદા જુદા ક્ષેત્રના સંગઠનો સાથે ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝ એસોસિએશન (IFA)ના નેતૃત્વ હેઠળ ગઠબંધન પત્ર પર હસ્તાક્ષર કરવા માટે જોડાયું છે જેમાં કોંગ્રેસને દ્વિપક્ષીય અમેરિકન ફ્રેન્ચાઇઝ એક્ટ (AFA), H.R. 5267ને સમર્થન આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ બિલને યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝના 51 દ્વિપક્ષીય સભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું છે. આ બિલનો ઉદ્દેશ જોઇન્ટ એમ્પ્લોયર સ્ટાન્ડર્ડને લાંબાગાળાની સુવિધા આપવાનો છે. આ AFAનો નવો મુસદ્દો છે, જેમાં કોલોશિન ઓફ ફ્રેન્ચાઇઝી એસોસિએશન્સ, ફ્રેન્ચાઇઝી એટર્ની, IFAના કાયદાકીય સલાહકાર અને AAHOAનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ સુધારેલા મુસદ્દાને AAHOA સંપૂર્ણ સમર્થન છે. આ ગઠબંધન એ બાબતને મહત્ત્વ આપે છે કે ફ્રેન્ચાઇઝ બિઝનેસ મોડેલ દેશના આર્થિક ઉત્પાદનમાં અંદાજે 900 બિલિયન ડોલરનું સર્જન કરે છે અને 8.8 મિલિયન જોબને સમર્થન આપે છે, જે સ્થાનિક સમુદાયોમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરે છે. આ અંગે AAHOAના ચેરમેન કમલેશ (કેપી) પટેલે જણાવ્યું હતું કે, ‘એક દસકા કરતાં વધુ સમયથી, AAHOAના સભ્યો અસ્થિર જોઇન્ટ એમ્પ્લોયર વ્યવસ્થાતંત્રના કાયદાકીય વિવાદ, વધી રહેલા ખર્ચા અને ધિરાણકર્તાઓ અને રોકાણકારોની અવઢવના પરિણામોને ભોગવી રહ્યા છે. ’













