કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટેના સ્ટુડન્ટ વિઝામાં 2025ના ત્રીજા ત્રિમાસિકગાળામાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. આ સ્થિતિ સરકારની ઇમિગ્રેશન ઘટાડવાની નીતિ કારણે ઊભી થઇ હોવાનું માનવામાં આવે છે. વર્તમાન વર્ષના ત્રીજા ત્રિમાસિકગાળામાં ભારતમાંથી વિદ્યાર્થીઓને ઇસ્યુ થયેલા સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં 2024ના સમાન સમયગાળાની સરખામણીમાં અડધાથી વધુનો ઘટાડો થયો છે. જ્યારે આ કેટેગરીમાં સંખ્યા ઘટાડવા માટે કેનેડિયન સરકારની નીતિઓના કારણે આ વલણને લાંબા સમય સુધી જોવા મળે તેવી સંભાવના છે.
ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ ઇમિગ્રેશન કેનેડા (IRCC)ના ડેટા મુજબ, જુલાઈથી સપ્ટેમ્બર 2025 દરમિયાન કુલ 1,46,505માંથી 16.4 ટકા વિઝા અથવા 24,030 વિઝા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. ગત વર્ષે, તેમાં 52,425 અથવા એ જ સમયગાળા દરમિયાન ઇસ્યુ કરાયેલા કુલ 1,77,025 સ્ટુડન્ટ વિઝાના લગભગ 30 ટકાનો સમાવેશ થતો હતો. સપ્ટેમ્બર મહિનામાં, નવા ડેટા મુજબ, ભારતીયોને 49,350 વિઝામાંથી 8400 વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જ્યારે 2024માં આ જ મહિનામાં 46,230માંથી 14385 વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા. કેનેડા સરકારે 2023ના અંતિમ ત્રિમાસિકગાળામાં લાગુ કરેલી નીતિને કારણે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. કારણ કે, દેશમાં હંગામી ઇમિગ્રન્ટ્સમાં વધારો અને જાહેર સુવિધા પર દબાણના કારણે ઘર ખરીદવાની ક્ષમતામાં વધતી ચિંતાથી આવનારા મહિનાઓમાં વધુ પ્રતિબંધોનો આદેશ આપવામાં આવ્યો હતો.













