અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે જે પ્રવાસીઓ અને અન્ય નોન-ઇમિગ્રન્ટ વિઝાના અરજદારો ઝડપી ઇન્ટરવ્યૂ એપોઇન્ટમેન્ટ મેળવવા ઇચ્છે તેમની પાસેથી 1,000 ડોલરની ફી લેવાનું વિચારે છે, જોકે સરકારી વકીલોએ આ યોજનાનો કાયદાકીય વિરોધ કર્યો છે, તેવું યુએસ અધિકારી અને સ્ટેટ ડીપાર્ટમેન્ટના આંતરિક મેમોમાં જણાવવામાં આવ્યું હતું.
ટૂરિસ્ટ અને અન્ય નોન-ઇમિગ્રન્ટ વિઝા પર અમેરિકામાં પ્રવેશવા ઇચ્છતા લોકો પહેલેથી જ 185 ડોલરની પ્રોસેસિંગ ફી ચૂકવે છે. એડમિનિસ્ટ્રેશન જે નવા 1,000 ડોલર વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે તે એક પ્રીમિયમ સર્વિસ હશે, જેના દ્વારા કેટલાક લોકોને વિઝા ઇન્ટરવ્યૂ માટે લાઇનમાં પ્રાથમિકતા આપવામાં આવશે. વિઝા એપોઇન્ટમેન્ટ માટેની આવી પ્રસ્તાવિત ફી અંગે અગાઉ કોઇ જાણ કરવામાં આવી નથી, તેને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ‘ગોલ્ડ કાર્ડ’ની યોજના સાથે સાંકળવામાં આવે છે, અને તેના દ્વારા અમેરિકાની નાગરિકતા 5 મિલિયન ડોલરમાં મળશે. જે લોકો આ રકમ ચૂકવવા તૈયાર હશે તેમને ઝડપી સુવિધાઓ મળશે. પરંતુ સ્ટેટ ડીપાર્ટમેન્ટની કાયદાકીય ટીમે મેમોમાં જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસની બજેટ ઓફિસ દ્વારા તેને ફગાવવામાં આવશે અથવા કોર્ટમાં તેને રદ્ કરાશે તેવું તેમાં ‘ઉચું જોખમ’ રહેલું છે. મેમોમાં વધુ જણાવ્યા મુજબ, સર્વિસ આપવા માટે ખર્ચ કરતાં વધુ ફી નક્કી કરવી એ ‘સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાપિત થયેલા ધોરણોની વિરુદ્ધ છે.’ સ્ટેટ ડીપાર્ટમેન્ટના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, તેમનો ડીપાર્ટમેન્ટ ઇન્ટરનલ ડોક્યુમેન્ટ્સ અને તેની ચર્ચા પર ટિપ્પણી કરતો નથી.
