યુકેના મિનિસ્ટર ફોર આફ્રિકા લોર્ડ કોલિન્સે ૩-૪ એપ્રિલની યુગાન્ડાની બે દિવસીય મુલાકાત દરમિયાન સતત વિકાસ, સમાવિષ્ટ ભાગીદારી અને પરસ્પર આર્થિક વિકાસ પ્રત્યે યુકેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી વેપાર, આરોગ્ય અને નવીનતા સંબંધોને મજબૂત બનાવવાની જાહેરાત કરી હતી.

સ્ટેટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું અને યુકેમાં યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા માધવાનીએ મુલાકાત દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવી હતી.  લોર્ડ કોલિન્સને અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં જોડાયા હતા અને બંને રાષ્ટ્રો વચ્ચે રાજદ્વારી સંબંધોની મજબૂતાઈનું પ્રતીક બનાવ્યું હતું.

યુગાન્ડામાં રોકાણને વેગ આપવા, વ્યવસાયિક વાતાવરણમાં સુધારો કરવા અને દ્વિપક્ષીય વેપાર વધારવાના હેતુ સાથે યુગાન્ડાના નાણાં મંત્રાલય દ્વારા ત્રિમાસિક પ્લેટફોર્મ ‘યુકે-યુગાન્ડા ગ્રોથ ડાયલોગ’ની શરૂઆત કરવાની જાહેરાત કરાઇ હતી.

ઇનોવેટ યુકે અને પ્રાઇવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગ્રુપના સમર્થનથી શરૂ કરાયેલ ઇ-મોબિલિટી કંપની ઝેમ્બોની લોર્ડ કોલિન્સે મુલાકાત લીધી હતી. જે મોટરસાઇકલો કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરી રહી છે અને સ્થાનિક રાઇડર્સના વાર્ષિક સરેરાશ $500 બચાવી રહી છે.

યુગાન્ડા એરલાઇન્સ સાથેના રીસેપ્શનમાં લોર્ડ કોલિન્સે 18 મેથી એન્ટેબે અને લંડન ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી. નવા રૂટથી વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક જોડાણોને વેગ મળવાની અપેક્ષા છે.

લોર્ડ કોલિન્સે યુકે-યુગાન્ડા વૈજ્ઞાનિક સહયોગના મુખ્ય કેન્દ્ર યુગાન્ડા વાયરસ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (UVRI) ની મુલાકાત લઇ બંને દેશોના સંશોધકોને મળી વૈશ્વિક આરોગ્ય સુરક્ષાને મજબૂત બનાવવામાં તેમની સંયુક્ત સફળતાને માન્યતા આપી હતી. આ સંસ્થાએ યુકેના £25 મિલિયનના ભંડોળ સાથે HIV / AIDS, ઇબોલા સંશોધન અને વાયરલ રોગ નિયંત્રણમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે.

લોર્ડ કોલિન્સે જણાવ્યું હતું કે “આ મુલાકાત યુકેની યુગાન્ડા સાથેની સ્થાયી ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે – જે પરસ્પર આદર, સહિયારા ધ્યેયો અને ટકાઉ પ્રગતિ માટેની પ્રતિબદ્ધતા પર બનેલી છે.”

LEAVE A REPLY