• કમલ રાવ

આજથી 85 વર્ષ પહેલા, દૂર છેવાડાના ઇસ્ટ અફ્રિકામાં ગુજરાતી અને ભારતીય પરિવારોમાં દેશના સંસ્કાર, ધર્મ, ભાષા જળવાયેલા રહે અને તેઓ સમાચારોથી વાકેફ રહે અને કશુંક નવું જાણીને સફળતાના શિખરો ચઢે તે આશયે વિદેશની ધરતી પર ‘આફ્રિકા સમાચાર’ સાપ્તાહિક કાઢી લાંબો સમય સેવા કરનાર સ્વ. ટી.એ. ભટ્ટ પ્રથમ ગુજરાતી હશે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી.

 

પ્રોસ્ટેટ કેન્સરની સર્જરી અને રેડીયો થેરાપી બાદ સ્વસ્થ થયેલા ટી.એ. ભટ્ટના મોટા પુત્ર જનાર્દન ભટ્ટે આપેલી રસપ્રદ અને વિગતવાર માહિતી અત્રે પ્રસ્તુત છે.

મૂળ કૂકાવાવ, રાજકોટના શ્રી ત્રિકમલાલ અંબારામ ભટ્ટ એટલે કે ટી.એ. ભટ્ટ જન્મજાત ઉદ્યોગ સાહસિક હતા. એક ઇમિગ્રન્ટ તરીકે તેઓ મોટા ભાઇ શ્રી નંદલાલભાઇ સાથે 1929માં કેન્યા ગયેલા ટી.એ. ભટ્ટ સ્થાનિક સ્વાહીલી કે ઇંગ્લિશ જાણતા ન હતા.

ટી.એ. ભટ્ટે ગુજરાતી અખબારની જરૂરિયાતને પારખીને છેક 1941માં શરૂ કરેલ અફ્રિકા સમાચારમાં ભારત, વિશ્વ અને ઇસ્ટ આફ્રિકાના સમાચારો સાથે વિવિધ વિભાગો રજૂ થતાં. 16 પાનાનું બ્રોડશીટ અખબાર અફ્રિકા સમાચાર તે વખતે ઇસ્ટ આફ્રિકામાં વસતા લગભગ 3 લાખ ભારતીયોનો અવાજ બન્યું હતું.

1974માં બંધ કરાયેલા કેન્યાના એક માત્ર ગુજરાતી પેપરના તંત્રી તરીકે ટી.એ. ભટ્ટ જવાબદારી સંભાળતા. જ્યારે રોજબરોજનું પત્રકારત્વનું કાર્ય તેમના મોટાભાઇ નંદલાલભાઇના પુત્ર ચીમનભાઇ સંભાળતા. તો નંદલાલભાઇના બીજા પુત્રો ચંદુભાઇ અને હિંમતભાઇ અન્ય રીતે મદદ કરતા. તેમની સાથે સર્વશ્રી વિપુલ કલ્યાણી, હારૂન અહમદ, અંબાલાલ દવે, શ્રી વ્યાસ પત્રકારો તરીકે સેવા આપતા. તો શશી રાવલ કાર્ટૂન બનાવતા હતા. શરૂમાં તો ભારતના પેપરોના સમાચારો કટ-પેસ્ટ કરી તેમણે પેપર બહાર પાડ્યા હતા.

ટી.એ. ભટ્ટે સમયનો તકાજો જોઇને 1950થી ‘ઇસ્ટ આફ્રિકા ટ્રેડ ડાયરેક્ટરી’ પબ્લીશ કરવાનું શરૂ કર્યું હતું. તે પછી ટોચના ભારતીયોનો સમાવેશ કરાયેલ ‘Who’s Who Indians In Africa’ અને ‘ઇન્ડસ્ટ્રી ઇન ઇસ્ટ આફ્રિકા’ સીરીઝના વાર્ષિક અંકો પ્રકાશીત કર્યા હતાં. તે જમાનામાં પણ આ પુસ્તકોના કવર પેજ કલર અને ગ્લોસી પેપર પર છપાયા હતા. તે પછી તો સ્વાહીલી ભાષાનું અખબાર ‘નુરૂ’, ‘ડેઇલી ક્રોનિકલ’ ઇંગ્લિશ ઇવનીંગ પેપર, વિવિધ દેશોના નામથી ‘ઇન્ડસ્ટ્રીયલ ડીરેક્ટરીઝ’, સ્પેસ્યલ અંકો પ્રકાશિત થતા હતા.

ટી.એ. ભટ્ટે ધંધાના વિકાસ માટે સ્થાનિક રાજકીય નેતાઓ, અગ્રણીઓ, ધાર્મિક સંતો, કલાકારોને ઘરે જમવા બોલાવી ડીનર ડીપ્લોમસી કરતા. સ્ટાફના સદસ્યો, પરિવારજનો કે મિત્રોને આર્થિક રીતે મદદરૂપ થતા. તેમના રમુજી અને મળતાવડા સ્વભાવને કારણે તેમના અફ્રિકન, યુરોપિયન અને બિઝનેસમેન સાથે સારા સંબંધો બન્યા અને સચવાયા હતા. તેઓ કોન્ટેક્ટને મેનેજ કરવામાં પાવરધા હતા. મજબૂત નેટવર્કીંગ અને સારા સંપર્કો આત્મિય સંબંધોમાં પરિણમ્યા હતા. જે આખરે સફળ બિઝનેસ માટે કામમાં લાગ્યા હતા. બિઝનેસની અનોખી સુઝ અને બેન્કો સાથેના સંબંધોને કારણે કદી લોન મેળવવામાં મુશ્કેલી પડી ન હતી.

ટીએ ભટ્ટે આગવા વિઝન થકી લંડન, હોંગકોંગ, ન્યુ યોર્ક તથા મુંબઇમાં 1950ના દાયકામાં ઓફિસો શરૂ કરી હતી. જાહેરાતો માટે ઇસ્ટ આફ્રિકાના દેશો કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા, રોહ્ડેશીયા (આજના ઝીમ્બાબ્વે અને  ઝાંબિયા) મોઝામ્બીકમાં કુલ 7 સેલ્સ એક્ઝીક્યુટીવની નિમણુંક કરી હતી. સોલોના પ્લેટ મેકીંગ મશીન સ્વીડનથી અને હાઇડલબર્ગ પ્રિન્ટીંગ પ્રેસ જર્મનીથી લાવ્યા હતા. તો Vickers પ્રિન્ટીંગ મશીન અને મોનો ટાઇપ મશીન ઇંગ્લેન્ડથી લાવ્યા હતા. આ માટે તેમણે તે દેશોની મુસાફરી કરી હતી.

ટીએ ભટ્ટ વિઝનરી પબ્લીશર હતા અને તેથી જ પોતાના પ્રકાશનો અને પ્રેસના નામ ‘યુનાઇટેડ આફ્રિકા પ્રેસ’, ‘યુનિટી પ્રેસ’, ‘સેન્ચ્યુરી હોલ્ડીંગ્સ’, ‘અફ્રિકા સમાચાર’ વગેરે રાખ્યા હતા. તે સમયે ટી.એ. ભટ્ટ પાસે પ્રોડક્શનમાં 30 અને અન્ય વિભાગોમાં 14નો સ્ટાફ હતો. બિઝનેસનો વ્યાપ વધારવા તેમણે કેમ્પેઇન ચલાવી ‘આફિકા સમાચાર’નું સર્ક્યુલેશન 18,000 નકલો સુધી પહોંચાડ્યું હતું અને ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશન તેને પ્રમાણિત કરતું હતું.

1953-54માં કેન્યાના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે ટીએ ભટ્ટે ‘માઉ માઉ ચળવળ’ને પુશ્કળ સાથ સહકાર આપ્યો હતો. તે જ વખતે સ્થપાયેલ ભારતીય હાઇ કમિશનના પ્રથમ હાઇ કમિશ્નર અપ્પા સાહેબ પંતની રાહબરી નીચે ટીએ ભટ્ટે મહાત્મા ગાંધીજીના ભાષણો અને સત્યાગ્રહની લડત વગેરેનો સ્વાહીલી ભાષામાં અનુવાદ કરી પત્રિકાઓ બનાવી આપી હતી. તે વખતે તેઓ ‘કેન્યન ઇન્ડિયન કોંગ્રેસ’માં અગ્રેસર હતા.

માઉ માઉ ચળવળ વખતે ઘણાં કેન્યન સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમના ઘરે આવતા ત્યારે ટી.એ.ના પત્ની ભાનુમતીબેનને સ્પષ્ટ સૂચના હતી કે તેઓ જમ્યા વગર ન જવા જોઇએ. ઘણી વખત સેનાનીઓ રાતવાસો કરી બીજે દિવસે નીકળે ત્યારે પણ તેમને ભોજન બાંધી આપતા.

ટી.એ. ભટ્ટ સાંસ્કૃતિક રીતે સંપૂર્ણ ભારતીય હતા. તેઓ કેન્યામાં યોજાતા કાર્યક્રમો વખતે ઝવેરી સીસ્ટર, ગોપીકૃષ્ણન, લક્ષ્મીકાંત પ્યારેલાલ સહિત ભારતના શ્રેષ્ઠ સાંસ્કૃતિક કલાકારોને નિમંત્રણ આપતા. તો ઇસ્ટ આફ્રિકામાં ગુજરાતી ભાષા જળવાઇ રહે તે માટે સતત પ્રયત્નશીલ હતા. તો બ્રહ્મસમાજમાં પણ કાયમ સેવા આપતા. તેઓ કાઉન્સિલરના પદ માટે નાઇરોબીના પાર્કલેન્ડ વિસ્તારમાંથી ઉભા રહ્યા હતા પરંતુ કમનસીબે હારી ગયા હતા.

પુત્રના લક્ષણ પારણામાંથી કહેવતને ચરિતાર્થ કરતા ટી.એ. ભટ્ટના પુત્ર જનાર્દનભાઇ 1964માં પિતાને હાર્ટ એટેક આવતા કેન્યા પરત થયા હતા અને કુટુંબના વ્યવસાયમાં જાડોયા હતા. તેઓ આખાય પ્રકાશન બિઝનેસને અલગ રૂપ આપવામાં સવાયા સાબીત થયા હતા. તેમણે બિઝનેસ સંભાળતા જ પહેલું કામ કેશ ફ્લો વધારવાનું અને લોનનું ભારણ ઓછુ કરવાનું કર્યું હતું. તો તેમના નાના ભાઇ ધનંજયભાઇ (ડેન) પ્રેસનું માર્કેટીંગ સંભાળતા.

1963-64માં જ્યારે જોમો કેન્યાટા જેલમાંથી છૂટ્યા ત્યારે તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ ગંટુડૂ નિવાસમાં યોજાઇ હતી. તેમાં 50-60 આંતરરાષ્ટ્રીય પત્રકારો જોડાયા હતા. આફ્રિકા સમાચારની ખ્યાતી એવી સજ્જડ હતી કે જોમો કેન્યાટાએ જનાર્દનભાઇને ઓળખી કાઢ્યા હતા અને સ્વાહીલીમાં ‘ટોટો કુજા હાપા’ કહી પોતાની પાસે બોલાવી જનાર્દનભાઇને પહેલી મુલાકાત આપી હતી. 1964ના અરસામાં ઇંગ્લેન્ડથી આવેલા જાણીતા બ્રિટીશ રાજકારણીના ભાઇએ નાઇરોબી પ્રેસ ક્લબમાં એક મીટીંગ કરી હતી. તે પછી તેમણે જનાર્દનભાઇ અને કેન્યન સરકારના મંત્રી Tom Mboyaને ગુપ્ત માહિતી આપી હતી કે બ્રિટીશ સરકાર કેન્યામાં રહેતા અને બ્રિટીશ પાસપોર્ટ ધરાવનાર, ખાસ કરીને ભારતીયોને લાગુ પડે તેવો કાયદો લાવનાર છે. જે અંતર્ગત તેવા સૌનો યુકેમાં પ્રવેશ કરવાનો હક્ક રદ થશે. જનાર્દનભાઇએ તે બાબતે સંશોધન કરી એક્સક્લુસિવ સ્ટોરી ‘આફ્રિકા સમાચાર’માં પ્રસિધ્ધ કરતા ભારતીયોમાં ડર વ્યાપી ગયો હતો. તે સમાચાર અન્ય નેશનલ પેપર્સમાં પણ છપાતા જુલાઇ 1967થી વર્ષના અંત દરમિયાન મીની એક્સોડસ થયો હતો. તે પછી 1968માં કોમનવેલ્થ ઇમીગ્રેશન એક્ટ પસાર થયો હતો. તે કાયદા હેઠળ બ્રિટીશ પાસપોર્ટ ધરાવતી કેન્યામાં વસતી ભારતીય પ્રજાનો યુકેમાં પ્રવેશ કરવાનો નાગરિક તરીકેનો અધિકાર કાયદેસર રીતે નબળો કરી દેવાયો હતો.

વિશાળ બિઝનેસને આટોપી દેવા અંગે જનાર્દનભાઇએ દુ:ખી મને કહ્યું હતું કે ‘’ત્યાર પછી થોડા વર્ષો અફ્રિકા સમાચારનો વ્યવસાય સરળ ચાલ્યો હતો. અમારે ત્યાં મોટાભાગના કર્મચારીઓ કેન્યન નાગરિકો હતા. પરંતુ ગુજરાતી મોનો ટાઇપ મશીન પર કામ કરતા આર.એચ. રાઠોડની વર્ક પરમીટની અરજી કેન્યન ઇમીગ્રેશન વિભાગે ના-મંજૂર કરતા અમને ધ્રાસ્કો પડ્યો હતો. અમારી રજૂઆતો બાદ 1974-75માં ત્યારના વાઇસ પ્રેસિડેન્ટ ડેનીયલ અરપ મોઇએ અમને જોઇતી હોય તેટલી વર્ક પરમીટ આપવા કહ્યું હતું. પરંતુ અમે સ્થિતી પારખીને પબ્લિશીંગ બિઝનેસ આટોપી લેવાનું પસંદ કર્યું હતું.’’

‘’અમે ભવિષ્યમાં સૌને ઉપયોગી થાય તે આશયે અફ્રિકા સમાચાર અને અન્ય પ્રકાશનોની 1941થી 1974 સુધીના તમામ અંકોની એક નકલ બાઇન્ડીંગ કરાવીને કેન્યન નેશનલ લાયબ્રેરીમાં જમા કરાવી હતી. પરંતુ દુ:ખ એ વાતનું છે કે આજે એની એક પણ નકલ કોઇની પાસે નથી. અમને શંકા છે કે અમારા બધા જ પબ્લિકેશન્સનો રેકોર્ડ ઇરાદાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યો છે.’’

1965થી 1974ના સમયમાં અફિકા સમાચારની પ્રતિષ્ઠા ખૂબ જ સારી હતી. કેન્યા બ્રોડકાસ્ટીંગ બોર્ડની ‘વોઇસ ઓફ કેન્યા’ની રેડિયો અને ટીવી સર્વિસમાં રજૂ થતા સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ પ્રોગ્રામની પેનલમાં ત્રણ-ચાર સદસ્યો નિમાયા હતા. ગર્વની વાત એ છે કે જનાર્દનભાઇની વરણી તેમાંના એક પેનલીસ્ટ તરીકે કરવામાં આવી હતી અને તેઓ દર સપ્તાહે ટીવી ડીબેટમાં ભાગ લેતા હતા.

જ્યારે ઇદી અમીને બધા ભારતીયોને યુગાન્ડા છોડવાનો આદેશ કર્યો ત્યારે અમુક રેફ્યુજીને નૈરોબી પસાર કરીને પ્લેન લેવું પડતું હતુ. તે સમયે નૈરોબીની જનતાના સહકારથી જનાર્દનભાઇએ તેમને માટે કપડા, ભોજન, ચા-નાસ્તો રેલવે સ્ટેશને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

જનાર્દનભાઇએ આજની પેઢીને સંદેશ આપતાં કહ્યું હતું કે ‘’આપણે પોતાના હેરિટેજ પર ગર્વ લેવો જોઇએ તો સાથે આશ્રય આપનાર દેશને વફાદાર રહેવું જોઇએ. વિકાસ કરવા માટે સતત પોતાના ક્ષેત્રમાં રસ રાખવો અને વધારવો જોઇએ. યુવાનોએ હારમાંથી શિખવું જોઇએ. આ દેશમાં આપણે ડાઇવર્સીટીને જાણવાની જરૂર છે અને તેમના યોગદાનની કદર કરવાની જરૂર છે. આજે આફ્રિકા સમાચાર બંધ થયાના 50 વર્ષ પછી હું મારા પિતા ટીએ ભટ્ટના વારસા, પ્રતિબદ્ધતા, સમર્પણ, કૌશલ્ય માટે ગર્વ અનુભવું છું અને અમારા મોટા બાપુજી અને મારા પિતરાઇ ભાઇઓનો તેમના યોગદાન માટે આભારી છું.’’

નાઇરોબીના નગારા અને પાર્ક લેન્ડ્ઝમાં ઉછરેલા જનાર્દનભાઇએ પોતાનો પ્રાથમિક અભ્યાસ કેન્યામાંથી અને એ લેવલ્સ લંડનથી કર્યા બાદ જર્નાલીઝમનો એક વર્ષનો ડીપ્લોમાં લંડનથી કર્યો હતો. તેમને લંડન સ્કૂલ ઓફ ઇકોમનોમિક્સમાં ગ્રેજ્યુએશન માટે પ્રવેશ મળ્યો હતો. જનાર્દનભાઇ 1975માં યુકે આવ્યા હતા અને યુકેમાં તેમણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ફાઇનાન્સીયલ કન્સલ્ટન્સી, ડાયમંડ અને બુલિયનનું ટ્રેડીંગ કર્યું હતું.

ટીએ ભટ્ટ 1982માં કાયમી વસવાટ માટે યુકે આવ્યા હતા અને 1987માં તેમનું લંડનમાં નિધન થયું હતું. જ્યારે શ્રીમતી ભાનુબેનનું 2012માં યુકેમાં દેહાંત થયું હતું.

LEAVE A REPLY