ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાના સાઉથ આફ્રિકન વેરિયન્ટના ચાર કેસો નોંધાયા હતા. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બ્રાઝિલ વેરિયન્ટનો પણ એક કેસ નોંધાયો હતો, એમ ભારત સરકારે મંગળવારે જણાવ્યું હતું.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે અંગોલા, તાન્ઝાનિયામાંથી આવેલા એક-એક વ્યક્તિ અને સાઉથ આફ્રિકાથી આવેલા બે વ્યક્તિમાં સાઉથ આફ્રિકન વેરિયન્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ મુસાફરો અને તેમના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં યુકે વેરિયન્ટના 187 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુકેથી આવતા મુસાફરો માટેના તમામ નિયમો સાઉથ આફ્રિકા અને બ્રાઝિલથી આવતી ફ્લાઇટ માટે પણ અમલ કરવામાં આવે તેવી શક્યતા છે.