પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સિંગાપોર બાદ હવે હોંગકોંગે લોકપ્રિય ભારતીય મસાલા બ્રાન્ડ્સ MDH અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી ચાલુ કરી હતી. મસાલાના પેકેજમાં કાર્સિનોજેનિક જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ મળી આવ્યા પછી આ કાર્યવાહી કરાઈ હતી.

હોંગકોંગ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજનની સરકારના ફૂડ સેફ્ટી સેન્ટરે 5 એપ્રિલે જાહેરાત કરી હતી કે નિયમિત સર્વેલન્સ પ્રોગ્રામ્સમાં MDH ગ્રુપના મદ્રાસ કરી પાઉડર, સંભાર મસાલા પાઉડર અને કરી પાઉડરના પેકેજમાં ઇથિલિન ઑક્સાઈડની હાજરીનો ખુલાસો થયો હતો. CFSએ આ અંગે વેન્ડર્સને જાણ કરી હતી અને તેમને વેચાણ બંધ કરવા અને અસરગ્રસ્ત પ્રોડક્સને સ્ટોરમાંથી દૂર કરવાની તાકીદ કરી હતી. વધુમાં, એવરેસ્ટ ગ્રુપના ફિશ કરી મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ હોવાનું જણાયું હતું.

ઇથિલિન ઓક્સાઇડને ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે ગ્રુપ 1 કાર્સિનોજેન તરીકે વર્ગીકૃત કરેલું છે. તેનાથી  સ્તન કેન્સરના જોખમ સહિત ગંભીર આરોગ્ય જોખમો ઊભા થઈ શકે છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ ભારતીય મસાલા બ્રાન્ડને વિદેશમાં કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હોય. 2023માં, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સનો સાલ્મોનેલા માટે સકારાત્મક પરીક્ષણ કર્યા પછી રિકોલ કરવાનો આદેશ આપ્યો હતો.

એવરેસ્ટ બ્રાન્ડે પોતાની સામેના આરોપોને નકારી કાઢ્યા હતાં. સિંગાપોર અને હોંગકોંગમાં મૂકાયેલા પ્રતિબંધ વિશે એવરેસ્ટે કહ્યું હતું કે અમારી તમામ પ્રોડક્ટ આકરી ચકાસણી બાદ તૈયાર થાય છે. નિકાસ કરતાં પહેલાં તમામ સાવચેતી રાખવામાં આવે છે. અમારી પ્રોડક્ટ્સ પર ઈન્ડિયન સ્પાઈસ બોર્ડ અને FSSAI સહિત તમામ એજન્સીઓની મંજૂરીનો માર્કો છે. અમે અત્યારે સત્તાવાર સૂચનાની રાહ જોઈ રહ્યા છીએ. અમારી ક્વોલિટી કંટ્રોલ ટીમે તપાસ શરૂ કરી દીધી છે.

LEAVE A REPLY

6 − three =