(ANI Photo)

રશિયાનું અવકાશયાન લુના-25  ગત રવિવારે ક્રેશ થઇ જતાં ભારતનું ચંદ્રયાન-3 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ માટે રેસમાં રહેલું એકમાત્ર અવકાશયાન છે. ચંદ્રયાન-3ને 23 ઓગસ્ટે સાંજે 6:04 કલાકે 25 કિલોમીટરની ઉંચાઈથી લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો ભારતનું ચંદ્રયાન મિશન સફળ થશે તો દેશ અમેરિકા, ચીન, ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની એલિટ ક્લબમાં સામેલ થશે અને દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન ઉતરનારો ભારત પ્રથમ દેશ બનશે.

રવિવારે રશિયાનું અવકાશયાન લુના-૨૫ ચંદ્રથી થોડા અંતરે તૂટી પડતાં તેમની ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલાં પહોંચવાની આકાંક્ષા પર પૂર્ણવિરામ મુકાયું હતું, પરંતુ ભારતના ચંદ્રયાન-૩ મિશનના લૅન્ડર મોડ્યુલનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ (લૅન્ડિંગ) આગામી ૨૩ ઑગસ્ટ, બુધવારે સાંજે ૬.૦૪ વાગ્યે નિર્ધારિત થઈ ગયું છે, એમ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના સૂત્રોએ જણાવ્યું હતું.

ભારતનું અવકાશયાન ચંદ્રયાન-૩ ૧૪ જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતનું ચંદ્રયાન-૩ અને રશિયાનું લુના-૨૫ બન્ને ૨૧થી ૨૩ ઓગસ્ટના ગાળામાં ચંદ્રની સપાટી પર પહોંચવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. ચંદ્રનો દક્ષિણ ધ્રુવ અવકાશ વિજ્ઞાનીઓના આકર્ષણનો વિષય રહ્યો છે. અગાઉ ત્રણ દેશો સોવિયેત સંઘ, અમેરિકા અને ચીન ચંદ્ર પર પહોંચવામાં સફળ રહ્યા છે, પરંતુ તેના દક્ષિણ ધ્રુવ પર કોઈ પણ દેશે લેન્ડિંગ કર્યું નથી. ભારત અને રશિયા ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર પહેલાં પહોંચવાની સ્પર્ધામાં હતાં.

ઇસરોના વિજ્ઞાનીઓએ રવિવારે જણાવ્યું હતું કે તેમણે ચંદ્રયાન-૩ મિશનના લૅન્ડર મોડ્યુલની ભ્રમણકક્ષા ઘટાડવામાં સફળતા મેળવી છે. તેથી લૅન્ડર મોડ્યુલનું ૨૩ ઑગસ્ટે ઉતરાણ નિશ્ર્ચિત બન્યું છે. પૂર્વયોજના મુજબ સૉફ્ટ લૅન્ડિંગ પૂર્વે લૅન્ડર મોડ્યુલના કેટલાક ઇન્ટરનલ ચેક કરવામાં આવશે. ત્યારપછી લૅન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’ બુધવારે લૅન્ડિંગ કરશે.

અગાઉ લૅન્ડર મોડ્યુલનું ઉતરાણ બુધવારે સાંજે ૫.૪૭ વાગ્યે કરવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો, પરંતુ પછીથી એ અંદાજિત સમય ૧૭ મિનિટ મોડો કરવામાં આવ્યો હતો. લૅન્ડરને ધીમું પાડવા- ડીબૂસ્ટિંગ કરવાના બીજા અને છેલ્લા ઑપરેશનમાં લૅન્ડર મોડ્યુલની ભ્રમણકક્ષા ઘટાડીને ૧૩૪ કિલોમીટર લાંબી અને પચીસ કિલોમીટર પહોળી કરવામાં સફળતા મળી હતી. મોડ્યુલ કેટલાક ઇન્ટરનલ ચેક્સ કરાવ્યા બાદ નિર્ધારિત લૅન્ડિંગ સાઇટ પર સૂર્યોદયની પ્રતીક્ષા કરશે. ઉતરાણ સંબંધી પ્રક્રિયા બુધવારે સાંજે ૪.૪૫ વાગ્યે શરૂ કરવામાં આવશે.

ઇસરોએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ એક્સ (અગાઉની ટ્વિટર) પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ચંદ્રયાન-૩ મિશનના સૉફ્ટ લૅન્ડિંગ પછી ભારત અવકાશ સંશોધનના ક્ષેત્રે સીમાચિહ્ન હાંસલ કરશે. એ સિદ્ધિ ભારતના વિજ્ઞાન. એન્જિનિયરિંગ, ટૅક્નોલૉજી અને ઉદ્યોગોની પ્રગતિના દ્વાર ખોલશે. વિક્રમ અને પ્રગ્યાનના લૅન્ડિંગનું ઇસરોની વેબસાઇટ સહિત અનેક પ્લેટફોર્મ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. બુધવારે સાંજે ૫.૨૭ વાગ્યાથી ઇસરોના ફેસબુક પેજ, ઇસરોની યુ-ટ્યૂબ ચૅનલ અને દૂરદર્શન નેશનલ ચૅનલ પર પ્રસારણ શરૂ કરવામાં આવશે.

અગાઉ, રશિયાનું રોબો લૅન્ડર લુના-૨૫ સ્પેસક્રાફ્ટ અનિયંત્રિત ભ્રમણકક્ષામાં પહોંચતાં તૂટી પડ્યું હોવાનું રશિયન સ્પેસ એજન્સી રોસકૉસ્મોસે ગત રવિવારે જણાવ્યું હતું. લુના-૨૫ અજાણી ભ્રમણકક્ષામાં જતાં ચંદ્રની સપાટી જોડે ટકરાવાથી તેના અસ્તિત્ત્વનો અંત આવ્યો હોવાનું રોસકૉસ્મોસે જણાવ્યું હતું.

શનિવારે લૅન્ડિંગ પૂર્વેની ભ્રમણકક્ષા માટે તૈયારી દરમિયાન સમસ્યા ઊભી થતાં રોસકૉસ્મોસનો લુના-૨૫
જોડેનો સંપર્ક તૂટી ગયો હતો. સ્પેસક્રાફટ સોમવારે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરવાનું હતું. ઑપરેશન દરમિયાન ઑટોમૅટિક સ્ટેશન પર અસાધારણ સ્થિતિ સર્જાઈ હતી. તેને કારણે નિર્ધારિત માપદંડો પ્રમાણે કામગીરી પાર પડી નહોતી.

 

 

LEAVE A REPLY

two + 11 =