. (ANI Photo)

આ ફિલ્મની સ્ટોરી લખનઉમાં રહેતા અજ્જુ ભૈયા ઉર્ફે અજય દીક્ષિત (વરુણ ધવન)ની છે. અજ્જુ સ્કૂલમાં ઈતિહાસનો શિક્ષક છે પરંતુ તેના ગુણગાન આખા શહેરમાં ગવાય છે. લખનઉના લોકોનું કહેવું છે કે, અજ્જુ ભૈયા નાસામાં વૈજ્ઞાનિક, આર્મીમાં ઓફિસર, જિલ્લા કલેક્ટર અને ક્રિકેટર બનતાં એટલા માટે રહી ગયો કારણ કે તે શિક્ષક બનીને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ઇચ્છતો હતો. શહેરના આબાલવૃદ્ધ સૌ તેને સુપરમેન માને છે પરંતુ તેના પરિવાર અને મિત્રો સિવાય કોઈ નથી જાણતું કે અજ્જુની આ ઇમેજ દેખાડો માત્ર છે. તેણે લોકો સામે ખોટી ઇમેજ ઊભી કરી છે. ઈતિહાસનો શિક્ષક પણ તે જુગાડ કરીને બન્યો હતો.

ફિલ્મની સ્ટોરી આગળ વધે છે તેમ ખબર પડે છે કે, ભણવામાં હોંશિયાર  નિશા (જ્હાન્વી કપૂર) સાથેનું તેનું લગ્નજીવન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. હકીકતે નિશાને બાળપણથી ખેંચની તકલીફ હતી. આ વાત જાણવા છતાં પોતાની ઈમેજ સારી રાખવા માટે તે નિશા સાથે લગ્ન કરે છે. પરંતુ લગ્નના દિવસે જ નિશાને ખેંચ આવે છે ત્યારે અજ્જુ ડરી જાય છે કે, ક્યારેક જાહેરમાં નિશાને ખેંચ આવશે તો તેની જાહેર છબિ ખરડાશે. આથી તે નિશાની અવગણના કરવા લાગે છે પરંતુ સ્ટોરીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે ધારાસભ્યના પુત્રને થપ્પડ મારવાના કારણે અજ્જુને સ્કૂલમાંથી એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. આ વિકટ સ્થિતિમાં પોતાની બગડતી ઈજ્જત બચાવવા તે એક જુગાડ કરે છે. તે પોતાના મમ્મી-પપ્પા પાસેથી રૂપિયા લઈને યુરોપ જવાનું આયોજન કરે છે. તે સ્કૂલમાં જણાવે છે કે, યુરોપ જઈને તે વિદ્યાર્થીઓને બીજા વિશ્વયુદ્ધની જગ્યાઓ અને ઘટનાઓની માહિતી વિના મૂલ્યે લાઈવ આપશે.

મજબૂરીમાં ટ્રીપ પર તેને નિશાને પણ સાથે લઈ જવી પડે છે. યુરોપ જઈને તેને અહેસાસ થાય છે કે, તેની અંદર પણ એક યુદ્ધ ચાલી રહ્યું છે. આ ટ્રીપ પછી અજ્જુ પોતાની નોકરી બચાવી શકશે? પત્ની નિશા સાથેના બગડતા સંબંધો કેવું રૂપ લેશે? શું તે પોતાની ખોટી છબિના આવરણને તોડી શકશે? આ બધું જાણવા માટે ફિલ્મ જોવી જ રહી.

 

LEAVE A REPLY

eight + 7 =