(ANI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુએ સોમવારે બંને દેશો વચ્ચે વ્યાપક આર્થિક અને દરિયાઇ સહયોગ માટે બ્લુપ્રિન્ટનું અનાવરણ કર્યું હતું. બંને દેશો વચ્ચે બીજી અનેક સમજૂતીઓ થઈ હતી અને તેમાં માલદીવમાં રૂપેકાર્ડ પેમેન્ટ, યુપીઆઇ પેમેન્ટ ચાલુ કરવાનો સમાવેશ થાય છે.

મોદી અને મુઇઝુએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને કરન્સી સ્વોપ કરાર પર સંમત થયા હતા. આ કરારથી 400 મિલિયન ડોલર સહાય અને વધારાના રૂ.3,000 કરોડનો સપોર્ટ મળશે.

નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં મોદી સાથે વ્યાપક વાટાઘાટો પછી મુઇઝુએ કહ્યું હતું કે “હું 400 મિલિયન યુએસ ડોલરના દ્વિપક્ષીય ચલણની અદલાબદલી કરાર ઉપરાંત રૂ. 30 બિલિયનના રૂપમાં સમર્થન આપવા બદલ ભારત સરકારનો આભાર માનું છું. તેનાથી માલદીવને ફોરેન એક્ચટેન્જ કરંસીના સંકટનો સામનો કરવામાં મદદ મળશે.”
મોદીએ કહ્યું હતું કે, અમે દ્વિપક્ષીય સંબંધોમાં વ્યૂહાત્મક પરિમાણ ઉમેરવા માટે ‘વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી’ કરી છે. બંને નેતાઓએ માલદીવમાં વર્ચ્યુઅલી રુપે કાર્ડ પણ લોન્ચ કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે, ભવિષ્યમાં અમે UPI દ્વારા ભારત અને માલદીવને જોડવાનું કામ કરીશું.

બંને દેશો એકબીજા સાથેના ખરાબ સંબોધોને સુધારવામાં કેવી રીતે સફળ થયા તેવા પ્રશ્નના જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી જણાવ્યું હતું કે “યારાના જારી રહેગા (મૈત્રીપૂર્ણ સંબંધો ચાલુ રહેશે)”

અગાઉ ગયા વર્ષના નવેમ્બરથી ભારત સાથે વણસેલા સંબંધોમાં સુધારો કરવા માટે માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુ  6થી 10 ઓક્ટોબર સુધી પાંચ દિવસની ભારતની મુલાકાતે આવ્યાં હતાં.

માલદીવના નેતા સોમવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મોદી દ્વારા તેમનું ઔપચારિક સ્વાગત કરાયું હતું. તેમના ઔપચારિક સ્વાગત બાદ મુઇઝુ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ જવા રવાના થયા હતાં. તેમણે હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.

ભારતની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતે આવેલા મુઇઝુએ જણાવ્યું હતું કે માલદીવ ભારતની સુરક્ષાને નબળી પાડવાનું કાર્ય કરશે નહીં અને નવી દિલ્હીને “એક મૂલ્યવાન ભાગીદાર અને મિત્ર” તરીકે જુએ છે, અને સંરક્ષણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહકાર “હંમેશા પ્રાથમિકતા રહેશે”

દિલ્હી ઉપરાંત તેઓ મુંબઈ અને બેંગલુરુની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ બિઝનેસ ઈવેન્ટ્સમાં હાજરી આપશે. ચીન તરફી ઝુકાવ માટે જાણીતા મુઇઝુએ નવેમ્બરમાં ટોચના હોદ્દો સંભાળ્યો ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો કથળ્યાં છે. શપથ લીધાના થોડા કલાકોમાં જ તેમણે પોતાના દેશમાંથી ભારતીય સૈન્ય જવાનોને પાછા ખેંચવાની માંગ કરી હતી.

 

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments