ભારતમાં 2027ની વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કો એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 વચ્ચે અને બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં ઘરોની યાદી અને ઘર ગણતરી થશે, જ્યારે બીજા તબક્કામાં વસતી ગણતરી કરાશે.
લોકસભામાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિએ કરેલા નિર્ણય મુજબ જાતિ ગણતરી પણ કરાશે. વસતી ગણતરી ડિજિટલ માધ્યમથી કરાશે. સ્વ-ગણતરી માટે ઓનલાઈન જોગવાઈની સાથે મોબાઇલ એપ્લિકેશન્સ દ્વારા ડેટા એકત્રિત કરાશે.
પ્રથમ તબક્કામાં મકાનોની યાદી બનાવવામાં આવશે, જેમાં મકાનની સ્થિતિ, સંપત્તિ અને દરેક મકાનમાં સુવિધાની માહિતીનો સમાવેશ કરાશે. બીજા તબક્કામાં દરેક ઘરના દરેક વ્યક્તિની વસ્તી ગણતરી (PE), વસ્તી વિષયક વિવિધતા, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય વિગતો નોંધવામાં આવશે.
ભારતના મોટાભાગના વિસ્તારો માટે વસ્તી ગણતરી માટેની સંદર્ભ તારીખ 1 માર્ચ, 2027 હશે, જ્યારે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના બરફથી ઘેરાયેલા પ્રદેશો માટે તે 1 ઓક્ટોબર, 2026 હશે. આ વિશાળ ડેટા સંગ્રહ કવાયત માટે 34 લાખથી વધુ ગણતરીકારો અને સુપરવાઇઝર, લગભગ 1.3 લાખ વસ્તી ગણતરીના કર્મચારીઓને તૈનાત કરાશે














