(@narendramodi X/ANI Photo)

યુક્રેન યુદ્ધને પગલે રશિયા સાથેના દાયકા જૂના ગાઢ સંબંધોમાં ઘટાડો કરવા માટે પશ્ચિમી દેશોનું ભારે દબાણ હોવા છતાં શુક્રવારે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને દેશો વચ્ચેના વેપારને ક્રૂડ ઓઇલ અને ડિફેન્સ સિવાયના બીજા ક્ષેત્રમાં પણ વિસ્તૃત અને વૈવિધ્યસભર બનાવવા માટે સંમત થયા હતાં. બંને દેશો વચ્ચે ડિફેન્સ, ભારતીય વર્કરો માટે રશિયાના વિઝા સહિત અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને રશિયા વચ્ચે 100 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર લક્ષ્ય 2039ની સમયમર્યાદા પહેલા પ્રાપ્ત થશે.

રશિયાના શસ્ત્રો અને ક્રૂડ તેલના વિશ્વના ટોચના ખરીદદાર ભારતે પુતિન માટે તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન લાલ જાજમ બિછાવી હતી. 2022માં રશિયાના યુક્રેન પર આક્રમણ પછી તેમની નવી દિલ્હીની પ્રથમ મુલાકાત હતી.
રશિયાએ કહ્યું છે કે તે 2030 સુધીમાં વેપારને $100 બિલિયન સુધી લઇ જવા માટે વધુ ભારતીય માલની આયાત કરવા માંગે છે. રશિયા સાથે ભારતની સ્થાયી ભાગીદારીને “ગાઇડિંગ સ્ટાર” ગણાવતા મોદીએ કહ્યું હતું કે પરસ્પર આદર અને ઊંડા વિશ્વાસ પર આધારિત, આ સંબંધો હંમેશા સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. અમે 2030 સુધીના સમયગાળા માટે આર્થિક સહયોગ કાર્યક્રમ પર સંમત થયા છીએ. આનાથી આપણો વેપાર અને રોકાણ વધુ વૈવિધ્યસભર, સંતુલિત અને ટકાઉ બનશે.

ગુરુવારે એરપોર્ટ પર પુતિન પહોંચ્યા ત્યારે તેમને ઉષ્માભર્યા ભેટી પડેલા મોદીએ યુક્રેનમાં યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના સમર્થનનો પણ પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે ભારત યુક્રેન સંઘર્ષમાં તટસ્થ નહીં, પરંતુ શાંતિના પક્ષમાં છે.
23માં રશિયા-ભારત શિખર સંમેલન પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન જટિલ, તંગ અને અનિશ્ચિત ભૂ-રાજકીય પરિસ્થિતિમાં રશિયન-ભારત સંબંધો બાહ્ય દબાણનો સામનો કરી શકે તેટલાં મજબૂત છે.

શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં 21 તોપોની સલામી સાથે પુતિનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ પુતિનના માનમાં એક ખાનગી ભોજનસમારંભનો પણ આયોજન કર્યું હતું.

બંને દેશોએ બેવડા ધોરણો વગર ત્રાસવાદ સામે વૈશ્વિક લડાઈની હાકલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ખતરો માનવતાના મૂલ્યો પર સીધો હુમલો છે.

અમેરિકા સાથે ભારતના કથળેલા સંબંધો વચ્ચે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન ગુરુવાર 4 ડિસેમ્બરથી ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી આવી પહોંચ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​સાંજે દિલ્હીના પાલમ એરપોર્ટ પર રશિયાના પુતિનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ હાથ મિલાવ્યા હતાં અને એકબીજાને ગળે લગાવ્યા હતાં અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પછી બંને એક જ કાર બેસીને વડાપ્રધાના નિવાસસ્થાન માટે રવાના થયા હતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે રશિયન પ્રેસિડન્ડ અને મિત્રનું સ્વાગત કરવા માટે પ્રોટોકોલ તોડીને મોદી એરપોર્ટ પહોંચ્યા હતાં. જેનાથી રશિયનો આશ્ચર્યચકિત થયાં હતાં. પુતિનના માનમાં વડાપ્રધાન નરેન્દ્ર એક ખાનગી રાત્રિભોજનનું પણ આયોજન કર્યું હતું.

ભારત અને રશિયા વચ્ચે વર્ષો જૂના સંબંધોને કારણે જ નહીં, પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધને કારણે આ પુતિનની આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે. પુતિનની આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારીને મજબૂતનો કરવાનો છે, પરંતુ તેના પર વિશ્વભરના અને ખાસ કરીને પશ્ચિમ દેશોની ચાંપતી નજર રહેશે.

બંને દેશો વચ્ચે સાત કરાર પર હસ્તાક્ષર
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે સાત મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા હતાં. આ કરારોમાં પ્રવાસન, હેલ્થકેર, ખાદ્ય સુરક્ષા, યુરિયા ઉત્પાદન જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે રશિયાના પ્રવાસીઓને ભારત મફત ઈ-ટુરિસ્ટ વિઝા આપશે જે 30 દિવસ માટે માન્ય ગણાશે. બંને દેશો વચ્ચે કોઑપરેશન અને માઇગ્રેશન એગ્રીમેન્ટ. અસ્થાયી શ્રમિક ગતિવિધિ પર કરાર, હેલ્થકેર અને મેડિકલ એજ્યુકેશન પર કરારફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ પર કરાર, પોલર શિપ કરાર, મેરિટાઇમ કોઑપરેશન પર કરાર, ફર્ટિલાઇઝર કરાર થયા હતાં. ભારત અને રશિયા સંયુક્ત રીતે યુરિયાનું ઉત્પાદન કરશે. ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પાયે યુરિયાની આયાત કરે છે. સંયુક્ત ઉત્પાદન શરુ થવાથી ભારતને યુરિયાની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.
ભારતીય શ્રમિકો માટે આ કરાર ખૂબ સારા સમાચાર છે. આનાથી ભારતીય શ્રમિકો વ્યવસ્થિત રીતે રશિયા મુસાફરી કરી શકશે અને વધુ સારા પગાર મેળવી શકશે. યુરોપિયન દેશોમાં નિયમો કડક થતાં આ કરાર મહત્ત્વપૂર્ણ બન્યો છે.

LEAVE A REPLY