સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે એટલે સોમવારે સંસદે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરતા બિલને મંજૂરી આપી હતી. વિપક્ષના ભારે હંગામા વચ્ચે કૃષિ કાયદાઓની વાપસીનું બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ગયું હતું. હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ ત્રણેય કાયદા રદ થઈ જશે. આ ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરવા ખેડૂતો આશરે છેલ્લાં એક વર્ષથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યાં છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ત્રણ કાયદા રદ કરવાની જાહેરાત કરીને ખેડૂતોને આંદોલન સમેટી લેવાની અપીલ કરી હતી.

વિરોધ પક્ષે કૃષિ કાયદાની વાપસીના બિલ પર ચર્ચા કરવાની માગણી કરી રહ્યું હતું, પરંતુ સરકારે જણાવ્યું હતું કે કાયદા જ રદ થઈ રહ્યા હોવાથી સંસદમાં તેની ચર્ચા કરવાની જરૂર નથી. શિયાળુ સત્ર પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીએ બેઠકમાંથી વોકઆઉટ કર્યું અને વિપક્ષે બેઠકમાં હાજરી ન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.

આ બેઠકમાં વિપક્ષે સ્પષ્ટ કરી દીધુ કે તેઓ પોતાની માગણીઓને લઈને મજબૂતાઈથી ઊભા રહેશે. આ અંગે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે અમારી તરફથી સર્વપક્ષીય બેઠકમાં મોંઘવારી, ખેડૂતો અને કોરોના જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવશે. તમામ પાર્ટીઓએ માગણી કરી છે કે કૃષિ પેદાશોના ટેકાના લઘુતમ ભાવ (MSP) માટે કાયદો બનાવવામાં આવે. આ ઉપરાંત એવી પણ માગણી કરાઈ છે કે કોરોના મૃતકોને ચાર લાખ રૂપિયાની મદદ કરવામાં આવે.

લોકસભા સચિવાયલ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે, સંસદના શિયાળુ સત્રમાં વીજળી સંશોધન બિલ 2021, બેકિંગ કાયદામાં સુધારા માટેનુ બિલ, પેન્શન કાયદામાં સુધારા માટેનુ બિલ, ઉર્જા સંરક્ષણના કાયદામાં સુધારા માટેનુ બિલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સ, કોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટનન્ટસ અને કંપની સેક્રેટરી સાથે સંકળાયેલા બિલનો સમાવેશ થાય છે. સંસદીય કાર્ય રાજ્ય પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યુ હતુ કે, શિયાળુ સત્રમાં 30 બિલ રજૂ કરાશે. વિપક્ષને આગ્રહ છે કે, આર્થિક સુધારા તેમજ બીજા મુખ્ય વિષયો સાથે જોડાયેલા કેટલાક બિલ પર ચર્ચા કરે અને તેને પસાર કરવામાં સહયોગ કરે. સરકાર તમામ પ્રકારની ચર્ચા કરવા માટે તૈયાર છે.