ભારત સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં અમદાવાદ છેલ્લા ત્રણ વર્ષમાં આ યાદીમાં ચાર ક્રમ નીચે આવી ગયું છે. વર્ષ 2019માં અમદાવાદ શહેર યાદીમાં છઠ્ઠા સ્થાને હતું, જ્યારે વર્ષ 2021માં તે 10મા સ્થાને છે. તાજેતરમાં કરવામાં આવેલા 2021 સ્વ્ચ્છતા સર્વેમાં ગુજરાતે સૌથી સ્વચ્છ રાજ્યોની કેટેગરીમાં 931 પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 અને 2017માં અમદાવાદ શહેર 14મા સ્થાન પર હતું. ત્યારપછી વર્ષ 2018માં તે બારમા સ્થાન પર હતું. સ્વચ્છતાનો મુદ્દો અમદાવાદ શહેર માટે ઘણો મહત્વનો છે કારણકે વર્ષ 1917 અને 1919 દરમિયાન દેશા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ડોક્ટર હરિપ્રસાદ દેસાઈ સાથે મળીને શહેરના કોટ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની શરુઆત કરી હતી. આ અભિયાન ઘણા લાંબા સમય સુધી ચાલ્યુ હતું. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા અને અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના માટે પહોંચ્યા ત્યારે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતું.













