એર ઈન્ડિયાએ એમ્સ્ટરડેમ, કોપનહેગલ અને મિલાન માટેની વધારાની ફલાઈટ્સ આગામી જુન અને જુલાઈ મહિનાથી શરૂ કરવાની જાહેરાત શુક્રવારે (10 મે) કરી હતી. એરલાઈનના જણાવ્યા મુજબ વધી રહેલી માંગના સંદર્ભમાં એર ઈન્ડિયા ડેન્માર્કના પાટનગર કોપનહેગન તેમજ ઈટાલીના મિલાન માટેની ફલાઈટ્સની ફ્રીક્વન્સી વધારીને ડેઈલી કરાશે. 22મી જુનથી આ બન્ને શહેરો માટે એર ઈન્ડિયાની દિલ્હીથી નોનસ્ટોપ ફલાઈટ્સ દરરોજ રવાના થશે. હાલમાં કોપનહેગન માટે સપ્તાહે ચાર દિવસ અને મિલાન માટે સપ્તાહે પાંચ દિવસ ફલાઈટ્સ રવાના થાય છે.

આ ઉપરાંત 16મી જુનથી એર ઈન્ડિયા સ્વિત્ઝરલેન્ડના ઝુરિકની પણ દરરોજની નોન સ્ટોપ ફલાઈટ્સ દિલ્હીથી શરૂ કરશે.

એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે એર ઈન્ડિયાની નવા અવતારની પરિવર્તન યાત્રામાં તેના ગ્લોબલ રૂટ નેટવર્કનું વિસ્તરણ એક ચાવીરૂપ પ્રાથમિકતા છે. તે સંદર્ભમાં યુરોપના દેશોમાં ફલાઈટ્સની ફ્રીક્વન્સીમાં વધારો પ્રાથમિકતાને અપાતું મહત્ત્વ દર્શાવે છે. ભારત અને યુરોપ વચ્ચે પ્રવાસીઓની માંગ પણ વધી રહી છે.

આ નવી ફલાઈટ્સ શરૂ થયા પછી, યુરોપના સાત શહેરો સાથે એર ઈન્ડિયા દર સપ્તાહે 80 ફલાઈટ્સની કનેકટિવિટી આપશે. આ સાત શહેરોમાં સ્વિત્ઝરલેન્ડના ઝુરિક, ઓસ્ટ્રીઆના વિએના, ફ્રાન્સના પેરિસ, ઈટાલીના મિલાન, જર્મનીના ફ્રેન્કફર્ટ, ડેન્માર્કના કોપનહેગલ તથા નેધરલેન્ડ્ઝના એમ્સ્ટરડેમનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

4 + nine =