Aircraft plant at Vadodara , self-reliance of defense sector:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વડોદરામાં C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો હતો. (ANI ફોટો)

વડોદરામાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના શિલાન્યાસ સમારંભમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે જણાવ્યું હતું કે ભારતીય એરફોર્સ માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટે ગુજરાતના વડોદરા શહેરમાં ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફની સફરમાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે.

આ એરક્રાફ્ટનું નિર્માણ યુરોપિયન એરોસ્પેસ કંપની એરબસ અને ટાટા ગ્રુપના કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવશે. આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે, જેમાં ખાનગી કંપની દ્વારા ભારતમાં લશ્કરી વિમાનનું ઉત્પાદન કરવામાં આવશે.
રાજનાથ સિંહે કહ્યું કે દેશમાં પહેલીવાર કોઈ ખાનગી કંપની એરક્રાફ્ટ બનાવવાની સુવિધા ઊભી કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે “આ પ્રોજેક્ટ દેશ માટે ચોક્કસપણે ગર્વની ક્ષણ છે. આપણા વડાપ્રધાન દ્વારા શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. આ માત્ર એક શિલાન્યાસ નથી, પરંતુ તે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ દેશની યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે.” સંરક્ષણ પ્રધાને ટાટા ગ્રૂપ, એરબસ અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા અન્ય તમામને અભિનંદન પાઠવ્યા હતા.

રાજનાથ સિંહે કહ્યું હતું કે અહીં બનાવવામાં આવનાર C-295 એરક્રાફ્ટ શ્રેષ્ઠ ક્ષમતાઓ અને વૈશ્વિક ધોરણો મુજબના હશે. આ અત્યાધુનિક અને આધુનિક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાની લોજિસ્ટિકલ ક્ષમતાઓમાં ધરખમ વધારો કરશે. એ પણ ગર્વની વાત છે કે તમામ 56 એરક્રાફ્ટ સ્વદેશી વોરફેર સુટ્સ સાથે ફીટ કરવામાં આવશે.
રાજનાથે કહ્યું હતું કે “મને વિશ્વાસ છે કે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાના સંરક્ષણ મંત્રાલયના પ્રયાસો માત્ર આપણા સશસ્ત્ર દળોની જરૂરિયાતોને પૂર્ણ કરશે નહીં, પરંતુ ભારતને સંરક્ષણ સાધનો અને પ્લેટફોર્મનો ચોખ્ખો નિકાસકાર પણ બનાવશે.”

LEAVE A REPLY

1 × 4 =