transport aircraft plant in Vadodara
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વડોદરામાં C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો હતો. (ANI ફોટો)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરમાં રવિવારે ભારતીય એરફોર્સ માટે યુરોપિયન સી-295 પરિવહન વિમાન માટે ઉત્પાદન સુવિધાનો શિલાન્યાસ કર્યા પછી જણાવ્યું હતું કે ભારત હવે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું મુખ્ય ઉત્પાદક બનશે. શિલાન્યાસ સમારોહમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડા પ્રધાને કહ્યું કે ભારત એક મુખ્ય ઉત્પાદન કેન્દ્ર બની ગયું છે અને દેશમાં આર્થિક સુધારાની નવી ગાથા લખાઈ રહી છે, કારણ કે તેમની સરકારની નીતિઓ “સ્થિર, અનુમાનિત અને ભવિષ્યવાદી” છે. તેમણે ગુજરાતના આ શહેરમાં યોજાયેલા સમારોહમાં તેમના સંબોધનમાં કહ્યું કે “આજે ભારત નવી માનસિકતા અને નવી કાર્ય સંસ્કૃતિ સાથે કામ કરી રહ્યું છે.”

વડાપ્રધાને કહ્યું કે ભારત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું મુખ્ય ઉત્પાદક બનવા જઈ રહ્યું છે અને તેઓ તે દિવસ જોઈ રહ્યાં છે, જ્યારે દેશમાં મોટા વ્યાપારી વિમાનો બનશે. ભારત તેના ‘મેક-ઈન-ઈન્ડિયા’ અને ‘મેક-ફોર-વર્લ્ડ’ અભિગમ સાથે તેની ક્ષમતા વધુ વધારી રહ્યું છે અને દેશ વૈશ્વિક સ્તરે એક મુખ્ય ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો છે.વડોદરામાં C295 એરક્રાફ્ટના ઉત્પાદનથી માત્ર સૈન્યને તાકાત મળશે નહીં પરંતુ તે એરોસ્પેસ ઇકોસિસ્ટમ પણ બનાવશે.

આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ પ્રસંગને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની ભારતની શોધમાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. આ એરક્રાફ્ટનું નિર્માણ યુરોપિયન એરોસ્પેસ અગ્રણી એરબસ અને ટાટા ગ્રુપના કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવશે. ભારતીય પ્રાઈવેટ સેક્ટરમાં પહેલીવાર એવું બનશે કે પાર્ટ્સથી લઈને અંતિમ એસેમ્બલી સુધી એરક્રાફ્ટનું ઉત્પાદન દેશમાં કરવામાં આવશે.

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, “તે માત્ર ટાટા જૂથ માટે જ નહીં, પરંતુ દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે તે ભારતને સાચા અર્થમાં ‘આત્મનિર્ભર’ બનાવવાના વડા પ્રધાનના વિઝનને સ્વીકારે છે.”
એરબસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગિલોમ ફૌરીએ જણાવ્યું હતું કે તેમની કંપનીને “ભારતમાં એરોસ્પેસ માટે આ ઐતિહાસિક ક્ષણ” માં ભૂમિકા ભજવવાનું બહુમાન મળ્યું છે. તેમણે તેમના સંક્ષિપ્ત સંબોધનમાં જણાવ્યું હતું કે “અમારી એરબસ ટીમો C-295 પ્રોગ્રામ સાથે ભારતીય વાયુસેનાના આધુનિકીકરણને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે, જે દેશમાં ખાનગી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રના વિકાસમાં પણ યોગદાન આપશે.”

મેન્યુફેક્ચરિંગ યુનિટ પ્રીમિયર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની નિકાસ તેમજ ભારતીય એરફોર્સને વધારાના ઓર્ડર માટે પણ પૂરા કરી શકશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 56 C-295 એરક્રાફ્ટ ખરીદવા માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે રૂ. 21,935 કરોડનો સોદો કર્યો હતો.

કરાર હેઠળ, એરબસ ચાર વર્ષમાં સ્પેનના સેવિલે ખાતેની તેની અંતિમ એસેમ્બલી લાઇનથી ‘ફ્લાય-અવે’ સ્થિતિમાં પ્રથમ 16 એરક્રાફ્ટની ડિલિવરી આપશે અને 40 એરક્રાફ્ટનું ભારતમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા ઉત્પાદન કરવામાં આવશે. સી-295 એરક્રાફ્ટ યુરોપની બહાર બનાવવામાં આવશે તેવું પ્રથમ વખત છે.

LEAVE A REPLY

nineteen + 8 =