ભારત સરકારે 2027ની વસતિ ગણતરીના પ્રથમ તબક્કા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. નાગરિકો 1થી 7 નવેમ્બર, 2025 દરમિયાન સ્વ-ગણતરી વિન્ડો દ્વારા તેમની વ્યક્તિગત માહિતી ડિજિટલ રીતે ફાઇલ કરી શકશે. વાસ્તવિક વસતિ ગણતરી પહેલા 10થી 30 નવેમ્બર દરમિયાન પસંદગીના સેમ્પલ વિસ્તારોમાં પ્રિ-ટેસ્ટ કવાયત ચાલુ થશે
ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા માટે પ્રિ-ટેસ્ટ કવાયત 10થી 30 નવેમ્બર, 2025 દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પસંદગીના સેમ્પલ વિસ્તારોમાં હાથ ધરાશે. તેમાં ઘરોની યાદી અને હાઉસિગ ગણતરીનો સમાવેશ કરાશે.
એક ગેઝેટ નોટિફિકેશનમાં ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું હતું કે સ્વ-ગણતરીનો વિકલ્પ પણ 1-7 નવેમ્બર, 2025 દરમિયાન ઉપલબ્ધ રહેશે. ગૃહ મંત્રાલય (MHA)એ કાયદાની કલમ 17A હેઠળ પ્રિ-ટેસ્ટ (પૂર્વ-પરીક્ષણ) માટે વસ્તી ગણતરી ધારા, 1948ની જોગવાઈઓ વિસ્તૃત બનાવી છે.
પ્રિ-ટેસ્ટ કવાયતનો હેતુ વસતિ ગણતરીની સિસ્ટમની અસરકારકતા ચકાસવાનો છે. વાસ્તવિક વસ્તી ગણતરી 1 એપ્રિલ 2026થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન બે તબક્કામાં હાથ ધરાશે. આ તબક્કામાં મકાનોની યાદી અને હાઉસિંગ શિડ્યુલ (એચએલઓ) અને વસ્તી ગણતરી (પીઇ)નો સમાવેશ થાય છે. પ્રિ ટેસ્ટ 2027થી સંપૂર્ણકક્ષાની વસ્તી ગણતરી પહેલાં સિસ્ટમોનું પરીક્ષણ કરવામાં, પડકારોને ઓળખવામાં અને કાર્યપદ્ધતિઓને સુધારવામાં મદદ કરશે.
આ ભારતની પ્રથમ ડિજિટલ વસતિ ગણતરી પણ હશે, જેમાં પ્રથમ વખત નાગરિકોની જાતિની ગણતરી કરાશે. પરીક્ષણ તબક્કા દરમિયાન કવાયતના તમામ પાસાઓ એટલે કે પ્રશ્નો, ડેટા સંગ્રહ, તાલીમ, લોજિસ્ટિક્સ અને મોબાઇલ એપ્લિકેશનથી લઈને સોફ્ટવેરની અસરકારતાની ચકાસણી થશે. તેનાથી કોઇ પ્રક્રિયાગત અથવા તકનીકી સમસ્યાઓ હશે તો તેમાં સુધારો કરાશે.
પ્રથમ તબક્કામાં મકાનોની યાદી બનાવવામાં આવશે, જેમાં મકાનની સ્થિતિ, સંપત્તિ અને દરેક મકાનમાં સુવિધાની માહિતીનો સમાવેશ કરાશે. બીજા તબક્કામાં દરેક ઘરના દરેક વ્યક્તિની વસ્તી ગણતરી (PE), વસ્તી વિષયક વિવિધતા, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય વિગતો નોંધવામાં આવશે.વસ્તી ગણતરી પ્રક્રિયા 1 ફેબ્રુઆરી, 2027 ના રોજ શરૂ થવાની છે.
ભારતના મોટાભાગના વિસ્તારો માટે વસ્તી ગણતરી માટેની સંદર્ભ તારીખ 1 માર્ચ, 2027 હશે, જ્યારે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના બરફથી ઘેરાયેલા પ્રદેશો માટે તે 1 ઓક્ટોબર, 2026 હશે. આ વિશાળ ડેટા સંગ્રહ કવાયત માટે 34 લાખથી વધુ ગણતરીકારો અને સુપરવાઇઝર, લગભગ 1.3 લાખ વસ્તી ગણતરીના કર્મચારીઓને તૈનાત કરાશે
