
અરવલ્લી જિલ્લાના માલપુર નજીક શુક્રવારે ભાદરવી પૂનમે અંબાજી જઈ રહેલા પદયાત્રીઓના સંઘ પર એક કાર ફરી વળતા ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા અને છ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. એમ પોલીસે જણાવ્યું હતું. પદયાત્રીનો આ સંઘ પંચમહાલ જિલ્લાના કાલોલનો હોવાનું માનવામાં આવે છે.
ઇનોવા ચાલકે વાહન પરનો અંકુશ ગુમાવ્યો હતો અને કારે માલુપુરના કૃષ્ણાનગરમાં અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને કચડી નાંખ્યા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા પદયાત્રીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાયની જાહેરાત કરી હતી.
પંચમહાલના કાલોલનો સંઘ ભાદરવી પૂનમે અંબાજી દર્શને નીકળ્યો હતો. રસ્તામાં થોડીવાર માટે થાક ખાવા કેટલાક પદયાત્રીઓ રોડની સાઈડમાં બેઠા હતા તો કેટલાક અંબાજી જવા આગળ વધી રહ્યા હતા. તે સમયે અચાનક એક ઈનોવા કાર પૂરપાટ સ્પીડે આવી અને એક ટોલ બૂથના પિલ્લર સાથે અથડાઈ હતી અને થાક ખાવા બેઠેલા પદયાત્રીઓને એક પછી એક કચડ્યા નાંખ્યા હતા.













