અમેરિકામાં એચ વન બી વિઝા પર રહેતા બે લાખ જેટલા ભારતીયોની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. અમેરિકા આ વિઝા સ્પેશ્યલાઈઝડ સ્કિલ ધરાવતા અન્ય દેશના લોકોને આપે છે.જે અમેરિકામાં રહીને કામ કરી શકે છે. હાલમાં લાખો ભારતીયો આ વિઝા પર હાલમાં અમેરિકામાં રહે છે.જોકે કોરોનાના કારણે જ્યારે કરોડો અમેરિકનો નોકરી ગુમાવી ચુક્યા છે ત્યારે આ વિઝા પર નોકરી કરતા ભારતીયોની હાલત પણ સારી નથી.

તેમાંના ઘણાને વગર સેલેરીએ રજા પર મોકલી દેવાયા છે.ઘણા તો માર્ચ મહિનાના બીજા સપ્તાહથી જ રજા પર ઉતારી દેવાયા છે.જો આ સ્થિતિ ચાલુ રહી તો જુન મહિના સુધીમાં હજારો ભારતીયો અમેરિકામાં રહેવાની પાત્રતા ગુમાવી દેશે. બીજી તરફ લોકડાઉન ચાલુ રહ્યુ તો તેઓ ભારત પણ પાછા નહી ફરી શકે.

એચ વન બી વિઝાના નિયમ પ્રમાણે આ વિઝા ધરાવનાર વ્યક્તિની અમેરિકામાં નોકરી છુટી જાય અથવા બેકાર થઈ જાય તો તે સ્થિતિમાં મહત્તમ 60 દિવસ સુધી જ અમેરિકામાં રહી શકે છે.એ પછી તેને અમેરિકામાં નોકરી વગર રહેવા ભારે ભરખમ રકમ ચુકવવી પડી શકે છે.