અમદાવાદમાં તા.1 મેથી માસ્ક નહી પહેરનારા દુકાનદારોને રૂા.5 હજાર અને સુપર માર્કેટને રૂા.50 હજાર તથા ફેરીયાઓને રૂા.2 હજારનો દંડ કરાશે તેમ અમદાવાદ મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાએ આજે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. તેઓએ વધુમાં જણાવેલ હતુ કે, છેલ્લા 10 દિવસમા 2098 સુપર સ્પ્રેડર્સના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 115ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આથી સુપર સ્પ્રેડર્સના સંપર્કમાં આવતા નાગરિકોએ વિશેષ ધ્યાન રાખવુ.

વધુમા તેઓએ જણાવેલ હતુ કે શાકભાજી વેચનારાઓને પણ ફ્રીમા માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર્સ આપવાની શરૂઆત કરાઈ છે. હાલ આ માટે અમદાવાદમા 3.50 લાખ માસ્ક તૈયાર કરાયા છે અને ફેરીયાઓને માસ્ક વિતરણ સાથે સોશ્યલ ડીસ્ટન્સની માહિતી પણ અપાશે. જો ફેરીયાઓ અને કરીયાણાની દુકાનોમાં માસ્ક વિના નજરે પડશે તો ત્રણ મહિના સુધી લાયન્સ રદ કરી દેવામા આવશે અને ત્રણ માસ સુધી આવા વેપારીઓ દુકાનો ખોલી શકશે નહીં.

વધુમા નેહરાએ જણાવેલ હતુ કે ગઈકાલ સુધીમા 164 નવા કેસ નોંધાયા છે જે સારી બાબત છે. છેલ્લા પાંચ છ દિવસની તુલનાએ ગઈકાલથી પોઝીટીવ કેસનો આંકડો ઘટી રહ્યો છે. જયારે 19 જેટલા મોત થયા છે જે ચિંતાજનક બાબત છે. ટેસ્ટીંગની વાત કરીએ તો કુલ ટેસ્ટ 24940 ટેસ્ટ કર્યા છે. આમ આપણે 10 લાખની વસતીએ 4157 ટેસ્ટ કરી રહ્યા છીએ. જયારે 21 દર્દીને ડીસ્ચાર્જ કરાયા છે. હાલ 2140 એકટીવ કેસ છે જેમાંથી 26 વેન્ટીલેટર પર છે અને 2114ની હાલત સ્થિર છે.

શહેરના ઘાટલોડીયા વિસ્તારના હીરાબાગ વિભાગ-2-માં શંકાસ્પદ કોરોનાના 4 દર્દીને કવોરન્ટાઈન કરાયા છે. તેઓ બે દિવસ અગાઉ કોરોના પોઝીટીવ વ્યકિતના સંપર્કમાં આવ્યા હતા. આરોગ્યની ટીમે સોસાયટીની શેરીમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી દીધી છે. શેરીમાં બહારના લોકોની આવન-જાવન પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. આરોગ્યની ટીમ દ્વારા ઘટનાને અનુરૂપ આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે.