પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ડો. યુવા અય્‍યર : આયુર્વેદિક ફિઝિ‌શિયન

રોગના ઉપચાર માટે, શરીરને તંદુરસ્ત બનાવી રાખે તેવા રસાયન ઔષધ તરીકે તથા સૌંદર્યને લગતી સમસ્યાઓ માટે પણ આમળાના ઘણા ઉપયોગ આયુર્વેદમાં સૂચવાયા છે.આમળા જેટલાં દેખાવમાં આકર્ષક છે તેટલા જ તેનાં ગુણો પણ આકર્ષક છે.

“સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ્”
આરોગ્યવાનના આરોગ્યને જાળવી રાખતી રસાયન ચિકિત્સા – જે આયુર્વેદની વિશિષ્ટતા છે. રસાયન ચિકિત્સા માટે આમળાં – કુદરતી રસાયન ઔષધ છે.

આમળાને આયુર્વેદનાં પંચભૌતિક અને ત્રિદોષ સિદ્ધાંત આધારિત વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષોથી થતાં રોગ માટે ઉપયોગી જણાયા છે. આમળામાં ખારા સિવાય તૂરો, કડવો, મીઠો, તીખો અને ખાટો આમ પાંચ રસ હોય છે. જેમાં ખાટો રસ વિશેષ છે પરંતુ પાચકરસો સાથે ભળી અને પાચન બાદ તે વધુ ગળ્યા બનતાં હોવાથી તથા તેનું વીર્ય શીત હોવાથી પિત્તને વધારતાં કે બગાડતા નથી. ખટાશને કારણે પાચન અને ઉત્સેચનનું કામ વધુ સારી રીતે કરે છે. આથી આંબળાની ખટાશ એની વિશિષ્ટતા છે, જે અન્ય ખાટા પદાર્થોની માફક પિત્ત વધારે તેવી નથી.

આ ઉપરાંત આમળાં શીતવીર્ય હોવાથી પિત્તદોષથી થતાં દાહ, રક્તસ્રાવ, સોજો, તાવ જેવા ઇન્ફ્લેમેટરી ચેન્જીસથી થતી તકલીફ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આયુર્વેદની રસાયન ચિકિત્સાને સાદી સમજ માટે એન્ટીએજીંગ ટ્રીટમેન્ટ પણ કહી શકાય. રસાયન ચિકિત્સામાં વપરાતાં હરડે, ભિલામો વિગેરે ઔષધો પૈકી આમળા ખૂબ ઓછા નીતિ-નિયમોનું પાલન કરીને સામાન્ય માણસ તેનો ઉપયોગ કરી શકે છે.

શરીરનાં પાચન, પોષણ, મેટાબોલિઝમ જેવા મહત્વનાં કામ માટે જરૂરી બાયોકેમિકલ પ્રોસેસિઝ યોગ્ય રીતે કરવામાં આમળાનાં વિશિષ્ટ ઉપયોગો રસાયન ચિકિત્સામાં દર્શાવવામાં આવ્યા છે. રસાયન કાર્ય કરવાથી શરીરનું વજન, ચામડી-વાળનું સૌંદર્ય, શરીરનું બળ, વીર્ય સંતુલિત થાય છે, જેને પરિણામે ઉંમર થતાં પહેલાં ચહેરા પર, ત્વચામાં કરચલી પડવી, ચહેરો નિસ્તેજ બની જવો, આંખ આસપાસ કાળા કુંડાળા થવા, આંખ નીચે કરચલી થઇ જવી, વાળનો જથ્થો ઘટી જવો, અકાળે વાળ સફેદ થઇ જવા, શારીરિક-માનસિક બળ ઘટી જવું, થાક લાગવો, હોર્મોનલ ઇમ્બેલેન્સ જેવી અનેક સમસ્યાનું નિવારણ કુદરતી ઉપચારોથી થઇ શકે છે.

રસાયન ચિકિત્સાથી આવી સમસ્યાનું નિવારણ કુદરતી ઉપચારોથી થઇ શકે છે. રસાયન ચિકિત્સા દરમિયાન વ્યક્તિગત પ્રકૃતિને અનુરૂપ ખોરાક, લાઇફ સ્ટાઇલમાં ફેરફાર, વ્યાયામ-યોગ માલિશ-લેપ વિગેરે વિશે માર્ગદર્શન – વ્યવસ્થા કરવામાં આવે છે. આમળાનો રસ અથવા આમળાનો માવો, ઝાડ પર જ સૂકાયેલાં આમળાના ચૂર્ણને વિવિધ રીતે વાપરવાથી નાની-મોટી સમસ્યા દૂર થઇ શકે છે, કેમ કે આમળામાં અનેક પૌષ્ટિક અને ઔષધિય ગુણો રહેલાં છે.

 

આમળાંનાં વિવિધ ઉપયોગો

વજન ઘટાડવા માટેઃ આમળાંમાં રહેલાં ન્યુટ્રીયન્ટસ, એન્ટીઓક્સિડન્ટ ગુણને કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સ અને એન્ઝાયમેટીક પ્રોસેસમાં થતી અનિયમિતતા સુધારે છે. આમળાં ચૂર્ણ 1/2 ચમચી 1 ચમચી મધ સાથે જમ્યા પહેલાં સવાર-સાંજ લેવાની સાથે પોષકતત્વોયુક્ત સંતુલિત ખોરાક લેવાથી વજન ઘટે છે.

વજન વધારવા માટેઃ 1 ચમચી આમળાં પાવડર, 1 ચમચી ગાયનાં ઘી સાથે સાકર ભેળવી ચાટી જવું, ઉપર નવશેકું ગરમ પાણી પીવું, દિવસમાં બે વખત લેવું. માસિક વધુ આવે, નસકોરી ફૂટવી, બ્લીડીંગ પાઇલ્સ માટેઃ 1 ચમચી આંબળાનું ચૂર્ણ, 1 ચમચી સાકરનું ચૂર્ણ સાથે દિવસમાં બે વખત લેવું, આ સાથે ખોરાકમાંથી તીખાં, તળેલાં, ગરમ મસાલાવાળા ખોરાક બંધ કરવા.

ગર્ભવતી સ્ત્રી માટેઃ આંબળા પાવડર ઘી-સાકર અથવા પાણી સાથે લેવાથી પાચન સુધરે છે. લોહની કમી કેલ્શ્યમની કમી, કબજિયાત, ઉલટી-ઉબકા જેવી તકલીફમાં રાહત મળે છે.
સ્તનપાન કરાવતી સ્ત્રી માટેઃ આંબળાનો મુરબ્બો, જે બાફેલા આમળાનો માવો, ઘી, સાકર, એલચી, તજ, કેસર, ભેળવીને બનાવ્યો હોય તે 1 ચમચી સવાર-સાંજ જમવા સાથે ખાવાથી સ્તન્યનું સ્ત્રવણ યોગ્ય થાય છે. માતા-બાળકની ઇમ્યુનિટી જળવાય છે.

વૃદ્ધાવસ્થામાં વારંવાર મૂત્રપ્રવૃત્તિ માટેઃ આંબળાનું ચૂર્ણ અને દારૂહરિદ્રા ચૂર્ણ સરખા પ્રમાણમાં મેળવી 1 ચમચી ચૂર્ણ બે વખત લેવું.

યુરિન ઇન્ફેકશન કે અન્ય કારણથી પેશાબ અટકતો હોય તે માટેઃ આંબળા ચૂર્ણ અને ગોખરૂ ચૂર્ણ સરખા ભાગે ભેળવી 1 ચમચી ચૂર્ણ સવાર-સાંજ લેવું. બળતરા થતી હોય તો આમળાનાં રસમાં શેરડીનો રસ ભેળવીને પીવાથી અટકીને થતો પેશાબ છૂટથી થવાની સાથે બળતરા દૂર થાય છે.

LEAVE A REPLY

5 × two =