વડોદરાના હરણી મોટનાથ તળાવમાં ગુરુવારે ઓછામાં ઓછા 27 બાળકોને લઈને જતી બોટ પલટી જતાં બચાવ કામગીરી ચાલુ કરાઈ હતી. (ANI Photo)

વડોદરા શહેરના હરણી વિસ્તાર ખાતે આવેલા મોટનાથ તળાવમાં ગુરુવારે બોટ પલટી ખાઈ જતાં 13 વિદ્યાર્થી, બે શિક્ષકો સહિત 15 વ્યક્તિઓના મોત થયા હતાં. દુર્ઘટના સમયે બોટમાં 27 લોકો સવાર હોવાનું માનવામાં આવે છે. બાળકો સ્કૂલની પિકનિલમાં બોટિંગ માટે આવ્યાં હતા.

શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતાં. ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક બોટ પલટી ખઈ જતાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે શિક્ષક અને 13 બાળક હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગે 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લીધા હતા.

બચાવી લેવાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં એક 15 વર્ષીય વિદ્યાર્થી, બે 15 વર્ષની છોકરીઓ અને બે 45 વર્ષીય શિક્ષકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓને તળાવમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ. 2 લાખની સહાયની જાહેરાત કરી હતી. તેમણે ઘાયલ થયેલા લોકોને રૂ. 50,000ની સહાયની પણ જાહેરાત કરી હતી.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને ‘અત્યંત હૃદયદ્રાવક’ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.

LEAVE A REPLY

three × 4 =