. (ANI Photo)

મુંબઈના દરિયામાં ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીના કેસમાં બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ પછી નવાનવા ખુલાસા થઈ રહ્યાં હતા. આ કેસની તપાસ કરી રહેલી એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ગુરુવારે અભિનેત્રી અનન્યા પાંડેની પૂછપરછ કરી હતી અને તેની પૂછપરછમાં વધુ કેટલાંક નામો ખુલવાની શક્યતા છે. એનસીબીની કાર્યવાહીથી સ્ટાર ચિલ્ડ્રનમાં ફફડાટ ફેલાયો હતો. આર્યન ખાન સામેની તપાસમાં કેટલીક વોટ્સએપ ચેટ બહાર આવ્યા બાદ અનન્યા પાંડેને સમન્સ મોકલવામાં આવ્યું હતું. એનસીબીની ટીમ મુંબઈમાં શાહરુખના મન્નત બંગલામાં ગઈ હતી અને કેટલાંક ડોક્યુમેન્ટ મળવ્યા હતા.

અનન્યાની સાથે તેના એક્ટર પિતા ચંકી પાંડે પણ એનસીબીની ઓફિસે ગયા હતા. તેઓ બપોરે 4 વાગ્યે પહોંચ્યા હતા. નિવેદન નોંધાવ્યા બાદ અનન્યા આશરે 6.15 વાગ્યે ઓફિસમાંથી નીકળી ગઈ હતી. અનન્યાને શુક્રવારે ફરી પૂછપરછ માટે બોલાવામાં આવે તેવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

એનસીબીના મુંબઈ ઝોન યુનિટે આ પહેલા સવારે બાંદ્રામાં આવેલા અનન્યા પાંડેના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને નિવેદન નોંધાવવા માટે ઓફિસ પર આવવાનું સમન્સ આપ્યું હતું. અનન્યા ચંકી પાંડેની દીકરી છે. એક મહિલા અધિકારી સાથે NCBની ટીમ અનન્યાના ઘરે પહોંચી હતી. અહીં થોડી જ વારમાં સર્ચ ઓપરેશન પૂરું કર્યા બાદ તેઓ શાહરૂખના ઘરે પહોંચ્યા હતા.

અનન્યા અને આર્યન ખાન વચ્ચેની કેટલીક વોટ્સએપ ચેટ્સ બાદ આ કેસમાં અભિનેત્રીનું નામ બહાર આવ્યું હતું. એનસીબીના અધિકારીઓએ તેના મોબાઇલ ફોન અને લેપલોટની જપ્ત કર્યા હતા. જોકે એનસીબીના અધિકારીઓએ હજુ સુધી આ કેસમાં તેની ભૂમિકાની કોઇ સ્પષ્ટતા કરી નથી.

22 વર્ષની અનન્યા પાંડેની એનસીબીએ આશરે બે કલાક સુધી પૂછપરછ કરી હતી. એનસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેની પૂછપરછ કરવામાં આવી છે તેનો અર્થ એ નથી કે તે આરોપી છે.

અનન્યા પાંડે અને આર્યન ખાન સ્ટાર ચિલ્ડ્રનના એક ગ્રૂપનો ભાગ છે. આ ગ્રૂપના સભ્યોએ સાથે મળીને પાર્ટીની ઉજવણી કરતી હોય છે અને સામાજિક પ્રસંગોએ મળતા હાય છે. ઉલ્લેખનીય છે આર્યન ખાનની વોટ્સએપ ચેટમાં એક ડેબ્યૂ કરવા જઈ રહેલી એક્ટ્રેસ સાથેની ચેટ મળી આવી હતી. NCBએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, આર્યન અને આ એક્ટ્રેસ વચ્ચે ડ્રગ્સ અંગે ચર્ચા થઈ હતી. અનન્યા પાંડે શાહરૂખ ખાનની દીકરી સુહાનાની બેસ્ટ ફ્રેન્ડ છે. એટલું જ નહીં અનન્યા અને આર્યન પણ સારા મિત્રો છે. ઉપરાંત અનન્યાના પેરેન્ટ્સ ચંકી અને ભાવના પાંડે પણ શાહરૂખ અને ગૌરીના મિત્રો છે.

શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાને આઠ ઓક્ટોબરથી જેલમાં બંધ છે. ગઇકાલે તેની જામીન અરજીને મુંબઈ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આર્યનની વોટ્સએપ ચેટમાં તે ગેરકાયદેસર ડ્રગ પ્રવૃત્તિમાં સામેલ થયો હોવાના પુરાવા મળે છે.

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન ગુરુવારની સવારે તેના પુત્ર આર્યનને મળવા માટે મુંબઈની આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. શાહરૂખ અને આર્યને 15 મિનિટ સુધી વાતચીત કરી હતી. શાહરૂખ ખાને દીકરા સાથે થોડીક મિનિટોની મુલાકાત કરી હતી અને ત્યારબાદ ત્યાંથી રવાના થઈ ગયો હતો. શાહરૂખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યો હતો ત્યારે મીડિયાએ તેને ઘેરી લીધો હતો. મહામુશ્કેલીએ શાહરૂખના બોડીગાર્ડે તેને ગાડી સુધી પહોંચાડ્યો હતો. અહેવાલો મુજબ વાતચીત દરમિયાન બંને વચ્ચે કાચની દિવાલ હતી. આર્યન અને શાહરૂખે ઈન્ટરકોમ દ્વારા એકબીજા સાથે વાત કરી હતી. આ મુલાકાત દરમિયાન જેલના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા.