2026માં વૈશ્વિક આધ્યાત્મિક સંગઠન ચિન્મય મિશન તેની 75મી વર્ષગાંઠની વિશ્વભરમાં ઉજવણી કરી રહ્યું છે ત્યારે તેના સ્થાપક, સ્વામી ચિન્મયાનંદજીના આધ્યાત્મિક શિક્ષણ, સાંસ્કૃતિક સંરક્ષણ અને યુવા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે એક સીમાચિહ્નરૂપ કાર્યક્રમ 32મા ચિન્મય મહાસમાધિ આરાધના શિબિરનું આયોજન સંસ્થાના વૈશ્વિક વડા સ્વામી સ્વરૂપાનંદની ઉપસ્થિતીમાં સાન હોઝેમાં કરવામાં આવ્યું હતું.
વર્ષ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો અને ઉજવણીઓમાં ભગવદ ગીતાના સામૂહિક જાપ અને હનુમાન ચાલીસા હવન જેવા વૈશ્વિક પહેલનો સમાવેશ થાય છે.
ચિન્મય મિશનના વૈશ્વિક વડા સ્વામી સ્વરૂપાનંદે 32મી ચિન્મય મહાસમાધિ આરાધના શિબિર દરમિયાન મિશનની સુસંગતતા અને ગીતાની સાર્વત્રિકતા પર ભાર મૂકી તેને “જીવનનું સંપૂર્ણ વિજ્ઞાન” તરીકે વર્ણવ્યું હતું. જેના ઉપદેશો વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડે છે. તેમણે કહ્યું હતું કે 75મી વર્ષગાંઠનો હેતુ ભવિષ્યની પેઢીઓને સ્વામી ચિન્મયાનંદના કાર્યો અને ઉપદેશો સીધી રીતે પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
ભારતમાં, આ ઉજવણીમાં સ્થાપક સ્વામી ચિન્મયાનંદજીના સંદેશની ઉજવણી કરતી 295 દિવસની રાષ્ટ્રવ્યાપી ચિન્મય અમૃત યાત્રા યોજાશે. મિશન વૈશ્વિક સ્તરે 350થી વધુ કેન્દ્રો ચલાવે છે, જેમાં નોર્થ અમેરિકામાં 51 કેન્દ્રોનો સમાવેશ થાય છે. સંસ્થા તમામ વય જૂથો માટે તૈયાર કરાયેલા કાર્યક્રમો ધરાવે છે. બાલ વિહાર, શિશુ વિહાર અને ચિન્મય યુવા કેન્દ્ર (CHYK) જેવી પહેલ બાળકો અને યુવાનોને મૂલ્ય-આધારિત શિક્ષણ અને આધ્યાત્મિકતામાં જોડે છે, જ્યારે સત્સંગ, જ્ઞાન યજ્ઞ અને વનપ્રસ્થ જૂથો પુખ્ત વયના લોકો અને વરિષ્ઠ નાગરિકોની સેવા કરે છે.
સ્વામી સ્વરૂપાનંદે વેદાંતને શિબિરમાં આધુનિક જીવન માટે સુસંગત બનાવવા પર ભાર મૂકી મૂંઝવણ, વ્યસન અને તણાવ જેવા પડકારોનો સામનો કરી રહેલા યુવાનો માટે વાત કરી હતી. મિશન ચિન્મય વિશ્વ વિદ્યાપીઠ દ્વારા યુનિવર્સિટીઓ સાથે પણ સહયોગ કરે છે જેથી એઆઈ અને ચેતના સહિતના સમકાલીન મુદ્દાઓ વિષે જાણી શકાય, જે સનાતન ધર્મના કાયમી વૈશ્વિક મહત્વને દર્શાવે છે.
