લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર એન્જેલા રેનર પર “મિસોજોનિસ્ટિક” હુમલો કરતા મેઇલ ઓન સન્ડેના વિવાદાસ્પદ લેખની વડા પ્રધાન બોરિસ જૉન્સને આકરી નિંદા કરી તેમને નિશાન બનાવવા બદલ આકરા પગલાનો સામનો કરવો પડશે એમ જણાવ્યું હતું.

‘મેઇલ ઓન સન્ડે’ના એક લેખમાં રેનરનો ઉલ્લેખ કરીને એક અનામી કન્ઝર્વેટિવ સ્ત્રોતને ટાંકીને આક્ષેપ કરાયો હતો કે રેનરે 1992ની શેરોન સ્ટોન ફિલ્મ ‘બેઝિક ઇન્સ્ટિંક્ટ’માં બતાવાયેલી પગને ક્રોસિંગ અને અનક્રોસ કરવાની યુક્તિનો ઉપયોગ કર્યો હતો જેથી વડા પ્રધાનનું ધ્યાન ભટકી શકે. તેણી જાણે છે કે તે બોરિસની ઓક્સફોર્ડ યુનિયનની ચર્ચા કરવાની તાલીમ સાથે સ્પર્ધા કરી શકતી નથી, પરંતુ તેણી પાસે અન્ય કૌશલ્યો છે.”

વડા પ્રધાન જૉન્સને જણાવ્યું હતું કે, “તે સેક્સિસ્ટ, મિસોજીનિસ્ટ ટ્રાઇપનો હુમલો છે. મેં તરત જ એન્જેલાનો સંપર્ક કર્યો હતો અને અમે ખૂબ જ મૈત્રીપૂર્ણ વાતચીત કરી હતી. આ માટે કોણ જવાબદાર છે, તેની મના જેણ નથી. પરંતુ જો ખબર પડશે તો મને નથી ખબર કે અમે શું કરીશું? આ તદ્દન અસહ્ય છે. હું લગભગ દરેક રાજકીય મુદ્દા પર એન્જેલા રેનર સાથે અસંમત છું, હું એક સંસદસભ્ય તરીકે તેણીનો આદર કરું છું અને તેણી પર કરવામાં આવેલ દુર્વ્યવહારની નિંદા કરું છું.”

લેબર લીડર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે “તેણીએ તેને સહન કરવું ન જોઈએ. રાજકારણમાં રહેલી તમામ મહિલાઓએ તેનો સામનો કરવો ન જોઈએ. આપણે સંસ્કૃતિને બદલવી પડશે. સંસદમાં જે કલ્ચર છે, તે લૈંગિક છે, તે મિસેજોનિસ્ટ છે. આપણે તેને બદલવાની જરૂર છે.”

હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે પણ આ મુદ્દે સંસદમાં હસ્તક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે અખબારના સંપાદકને “અપમાનજનક” લેખ અંગે મીટિંગ માટે બોલાવ્યા હતા. તેમણે કોમન્સ ઇક્વાલિટી કમિટીના અધ્યક્ષ ટોરી એમપી કેરોલિન નોક્સ સાથેની મીટિંગને પણ સમર્થન આપ્યું હતું અને સૂચન કર્યું હતું કે આ સ્ટોરી માટે જવાબદાર પત્રકારનો પાર્લામેન્ટરી લોબી પાસ રદ કરવો જોઈએ.

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને પણ ટ્વીટ કરી નિંદા કરી હતી.