અનિલ અંબાણીએ ચીની બેન્કો પાસેથી મેળવેલા ધિરાણના મુદ્દે સર્જાયેલા વિવાદમાં શુક્રવારે, 7 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ હાઇકોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે તેમની નેટવર્થ શુન્ય છે. પોતે દેવાળિયા હોવાથી બાકી રકમ ચુકવી શકે તેમ નથી. પરિવારના લોકો પણ તેમને મદદ નહીં કરી શકે. કોર્ટમાં રજૂ થયેલા અંબાણીના વકીલાએ આ મુજબની દલીલો કરી હતી. પરંતુ કોર્ટે આ દલીલો ફગાવી દેતાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને છ સપ્તાહની અંદર ૧૦ કરોડ ડોલર ( ૭૧૪ કરોડ રૂપિયા) કોર્ટમાં જમા કરાવવાના આદેશ કર્યા હતા. આ રકમ જમા કરાવ્યા પછી પણ કોર્ટમાં આ કેસની ફુલ ટ્રાયલ ચાલતી રહેશે.
ચીનની ત્રણ બેન્કો- ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના, ચાઇના ડેવલમેન્ટ બેન્ક અને અક્ઝિમ બેન્ક ઓફ ચાઇનાએ અનિલ અંબાણી વિરુદ્ધ લંડનની અદાલતમાં કેસ કર્યો હતો. આ બેન્ક્સે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ને ૨૦૧૨માં ૭૦ કરોડ ડોલર (૫૦૦૦ કરોડ રૂપિયા)નું ધિરાણ કર્યું હતું, પરંતુ આરકોમ પરત ચુકવણી ના કરી શકી. બેન્કો દાવો કરી રહી છે કે અનિલ અંબાણી ગેરન્ટર હતા.
અંબાણીના વકીલોએ અદાલતમાં કહ્યું હતું કે વર્ષ ૨૦૧૨માં તેમના અસીલના રોકાણોનું મૂલ્ય ૭૦૦ કરોડ ડોલર ( ૫૦૦૦ કરોડ રૂપિયા) હતું, પરંતુ હાલમાં નેટવર્થ શુન્ય છે. ચીની બેન્ક્સે વકીલની આ રજૂઆત સામે સવાલ ઉઠાવતાં અંબાણી દ્વારા વર્તમાનમાં થઇ રહેલા ખર્ચા અને લાઇફસ્ટાઇલનો ઉલ્લેખ કર્યો. ચીની બેન્કોના વકીલે અંબાણી પાસે ૧૧ લક્ઝરીકાર, એક ખાનગી જેટ, યોટ અને દક્ષિણ મુંબઇમાં સીવિંડ પેન્ટહાઉસમાં રેન્ટ ફ્રી એક્સેસ હોવાની વાત ટાંકી હતી. બંને પક્ષોને સાંભળ્યા પછી જજ ડેવિડ વોક્સમેને કહ્યું કે નાણાકીય સ્થિતિનો હવાલો આપીને અંબાણી તરફથી બચાવમાં જે દલીલો મૂકવામાં આવી છે તેમાં પારદર્શકતા નથી.
ચીની બેન્કોના વકીલે એમ પણ કહ્યું કે અનિલ અંબાણીને તેમના કુટુંબીજનો અનેકવાર મદદ કરી ચૂક્યા છે. અંબાણીના વકીલે કહ્યું કે તેમના અસીલ તેમની માતા, પત્ની અને પુત્રોની મિલકતો અને શેરો સુધી એક્સેસ નથી ધરાવતા. પરંતુ બેન્કોના વકીલ એ માનવા તૈયાર નહોતા કે અનિલના કુટુંબીજનો તેમને મદદ નહીં કરે. તેમણે એવી દલીલ પણ કરી કે અનિલના ભાઇ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે.
રિલાયન્સ જૂથે સંકેત આપ્યા હતા કે કોર્ટના આ આદેશ સામે અપીલ કરવા આયોજન કરશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે ,અનિલ અંબાણી ચુકાદાની સમીક્ષા કરી રહ્યા છે. તેઓ કાયદેસરની સલાહ મેળવીને આગળ વધશે.