Another video of Kejriwal's minister from Tihar Jail
ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોમવાર, 30મે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના કેબિનેટ પ્રધાન સત્યેન્દર જૈનની ધરપકડ કરી હતી.(ANI Photo)

મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો રવિવારે બહાર આવ્યો હતો. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનને તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટ સાથે વાતચીત કરતાં દેખાય છે. દરમિયાન જૈનને જેલમાં ડ્રાય ફ્રૂટ અને ફળો સાથે સ્પેશ્યલ ફૂડ મળે તેવી અરજી દિલ્હીની કોર્ટમાં કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

જેલમાં મસાજ કરાવતા હોય અને અન્ય વીઆઇપી વિશેષ સુવિધાઓ મેળવતા હોય તેવી વીડિયો પણ બહાર આવ્યા હતા અને વિવાદનું કેન્દ્ર બન્યાં છે. જૈને દિલ્હીની એક કોર્ટને વિનંતી કરી કે તેમના સેલના સીસીટીવી કેમેરાના ફૂટેજને મીડિયામાં “લીક” થતા રોકવામાં આવે.

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા જેલ સુપ્રિટેન્ડેન્ટને મળ્યાનો કથિત વીડિયો ભાજપના કેટલાક નેતાઓએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. દિલ્હી બીજેપી મીડિયા સેલના વડા હરીશ ખુરાનાએ ટ્વીટ કરીને આ સીસીટીવી કેમેરાના ફૂટેજ શેર કર્યા હતા અને કટાક્ષ કર્યો હતો કે “પ્રમાણિક મંત્રી જૈનનો એક નવો વીડિયો. જેલ સુપરિન્ટેન્ડેન્ટ રાત્રે 8 વાગ્યે જેલ પ્રધાનના દરબારમાં હાજરી પૂરાવે છે.”

આ મહિનાની શરૂઆતમાં જૈનને “ખાસ સુવિધા” પૂરી પાડવામાં કથિત સંડોવણી બદલ તિહાર જેલના સુપ્રિટેન્ડેન્ટને સસ્પેન્ડ કરાયા હતા. સત્યૈન્દ્ર જૈન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં 31 મેથી જેલમાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સસ્પેન્ડ કરાયેલા અધિકારી અજીત કુમાર જેલ સંકુલમાં જેલ નંબર 7ના સુપ્રિટેન્ડેન્ટ હતા.

જૈન અગાઉના કથિત વિડિયોમાં તેમના સેલમાં બેક અને ફૂટ મસાજ કરાવતા, કેટલાક દસ્તાવેજો વાંચતા અને પલંગ પર સૂઇને મુલાકાતીઓ સાથે વાત કરતા જોઈ શકાય છે. મિનરલ વોટરની બોટલ અને રિમોટ પણ જોવા મળે છે. એક વીડિયોમાં તે ખુરશી પર બેસીને હેડ મસાજ કરાવતા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

fourteen − nine =