ગુજરાત ATS દ્વારા થોડા દિવસો પહેલા 54 વિદેશી અને દેશી હથિયારો સાથે નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ગુપ્તા ગન હાઉસના મલિકની તપાસમાં વધુ માહિતી સામે આવી હતી. પોલીસે તપાસ દરમિયાન વધુ 50 વિદેશી હથિયારો કબ્જે કર્યાં છે. આ સાથે પોલીસે 10થી વધુ લોકોની ધરપકડ પણ કરી લીધી છે. ATS દ્વારા સોમવારે રાતે રાજ્યમાં અલગ અલગ નવ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.

દરોડાં દરમિયાન વધારે મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ATS પાસેથી મળતી માહિતી પ્રમાણે આ તમામ હથિયાર ખૂબ જ મોંઘા છે.આ પહેલા પણ ATS તરફથી જે 54 હથિયાર કબજે લેવામાં આવ્યા હતા તેમાં પણ મોટાભાગના હથિયાર વિદેશી હતા. ATSની તપાસમાં સામે આવ્યું છે કે આ હથિયાર સ્મગલિંગથી લાવવામાં આવતા હતા. જેમાં નેપાળ બોર્ડરનો ઉપયોગ થતો હતો.

આ હથિયારો મામલે ગુપ્તા ગન હાઉસની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. ગુપ્તા ગન હાઉસનો માલિક આ હથિયારો મંગાવી પોતાના ગન હાઉસમાં ચોપડે ખોટી રીતે બતાવી તેને અન્ય ગન હાઉસને આપી દીધા છે તેવું બતાવી અન્ય લોકોને વેચી દેતો હતો. નોંધનીય છે કે આ હથિયારો કેટલા નામચીન વ્યક્તિઓ પણ ખરીદ્યા હતા. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ATS કાર્યવાહી કરી રહી છે.