આઇફોન કંપની એપલ તેના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર ફોક્સકોન સાથેની ભાગીદારીમાં ભારતમાં ટૂંકસમયમાં તેના 5G રેડી આઇફોન-12નું ઉત્પાદન ચાલુ કરશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સ્થાનિક ઉત્પાદન પરના ફોકસમાં વધારાને પગલે અમેરિકાની આ કંપનીને ભારતમાં સૌથી વધુ આઇફોનનું વેચાણ કરવામાં મદદ મળશે.

જોકે એપલ આઇફોન-12 સિરિઝ હેઠળના પ્રો-મોડલનું ઉત્પાદન ચાલુ કરશે નહીં અને ઘરેલુ માગ માટે તેની આયાત કરશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એપલ ગ્રાહકો માટે વિશ્વમાં શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ બનાવવા માટે સમર્પિત છે. અમે સ્થાનિક ગ્રાહકો માટે આઇફોન-12નું ઉત્પાદન ચાલુ કરીશું.

એપલે આઇફોન એસઇ સાથે 2017માં ભારતમાં આઇફોનનું ઉત્પાદન ચાલુ કર્યું હતું. હાલમાં તે કોન્ટ્રાક્ટ પાર્ટનર્સ મારફત ભારતમાં આઇફોન એસઇ 2020, આઇફોન એક્સઆર અને આઇફોન11નું ઉત્પાદન કરશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પીએલઆઇ સ્કીમને કારણે ઘરેલુ અને નિકાસ બંને માટે ચીનની જગ્યાએ ભારતમાં ઉત્પાદન કરવાનું એપલ માટે વધુ આકર્ષક છે. આ ઉપરાંત ભારતમાં ઊંચી આયાત જકાતને કારણે ભાવ પણ ઊંચો રહે છે. સ્થાનિક ઉત્પાદનથી આ ખર્ચ ઘટાડી શકાય છે. 2021માં એપલ 3.5 મિલિયનનું વોલ્યુમ નોંધાવે તેવો અંદાજ છે.