અમેરિકામાં વ્હાઇટ હાઉસ મિલિટરી ઓફિસના ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન માજુ વર્ગીસની મંગળવારે વિધિવત નિમણુક કરવામાં આવી હતી. વર્ગીસ અગાઉ બાઇડેન ચૂંટણી અભિયાન સમિતિ અને શપથગ્રહણ સમિતિના ચાવીરૂપ સભ્ય હતા.

WHMOના ડિરેક્ટર તરીકે વર્ગીસ વિશ્વભરમાં પ્રેસિડેન્શિયલ મિશન્સ અંગેની એર ફોર્સ વનની તમામ લશ્કરી કામગીરીની દેખરેખ રાખશે.

વ્હાઉટ હાઉસ મિલિટરી ઓફિસ (WHMO) વ્હાઇટ હાઉસ ઓફિસનો એક વિભાગ છે, જે પ્રેસિડેન્શિયલ ટ્રાન્સપોર્ટેશન, મેડિકલ સપોર્ટ, ઇમર્જન્સી મેડિકલ સર્વિસિસ અને હોસ્પિટાલિટી સર્વિસિસ સહિત વ્હાઇટ હાઉસના કાર્યો માટે લશ્કરી સપોર્ટ પૂરો પાડે છે.

વર્ગીસનો જન્મ અમેરિકામાં થયો હતો. તેમને માતાપિતા કેરળના થિરુવલ્લાથી અમેરિકા આવ્યા હતા. તેઓ યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સમાંથી પોલિટિકલ સાયન્સ એન્ડ ઇકોનોમિક્સમાં બેચરલ ડીગ્રી ધરાવે છે.

વર્ગીસે અગાઉ બરાક ઓબામા સરકાર દરમિયાન વ્હાઇટ હાઉસમાં વિવિધ હોદ્દા પર કામ કર્યું હતું. તેઓ ઓબામા સરકારમાં મેનેજમેન્ટ એન્ડ એડિમિસ્ટ્રેશન માટે પ્રેસિડન્ટના આસિસ્ટન્ટ અને એડવાઇન્સના ડેપ્યુટી ડિરેક્ટર હતા. તેમણે ધ હબ પ્રોજેક્ટ્સમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે પણ કાર્ય કર્યું હતું.