અમેરિકન કોંગ્રેસ દ્વારા 2023 માટે નિશ્ચિત કરવામાં આવેલા H1-B વિઝાના 65 હજારના ક્વોટા માટે યોગ્ય પ્રમાણમાં અરજીઓ પ્રાપ્ત થઇ છે તેમ ફેડરેલ એજન્સીએ જણાવ્યું છે.
H1-B વિઝા નોન ઇમિગ્રન્ટ વિઝા છે અને તે વિદેશી નાગરિકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ વિઝા અંતર્ગત અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને રોજગારી આપવાની મંજૂરી મળે છે. ખાસ તો ઇન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં આ વિઝાનું આકર્ષણ જોવા મળ્યું છે. અત્રે નોંધનીય છે કે, અમેરિકન ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે ભારત સહિતના દેશોમાંથી આ વિઝા દ્વારા કર્મચારીઓની નિમણૂક કરે છે. અમેરિકન કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ મંજૂરી મુજબ અમેરિકા દર વર્ષે વધુમાં વધુ 65 હજારની મર્યાદામાં H1-B વિઝા ઇસ્યુ કરી શકે છે. આ ઉપરાંત અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને 20 હજારની મર્યાદામાં વિઝા ઇસ્યુ કરી શકે છે.
યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે આ વિશેષ પ્રકારના વિઝાની અરજીઓેની તપાસવાનું શરૂ કર્યું છે અને જેમને વિઝા ઇસ્યુ થયા નથી તેમને પણ જાણ કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે.