(ANI Photo)

સુપ્રીમ કોર્ટે સોમવારે સવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કથિત દારૂ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના આરોપમાં તાત્કાલિક રાહતનો ઇનકાર કર્યો હતો. હાલમાં તિહારની જેલમાં બંધ કેજરીવાલે આ કેસમાં તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

કેજરીવાલની કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ  21 માર્ચે ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટ 29 એપ્રિલે તેની સુનાવણી ફરી હાથ ધરે ત્યાં સુધી કેજરીવાલે રાહ જોવી પડશે. આનો અર્થ એવો થાય છે કે લોકસભા ચૂંટણી શરૂ થયાના 10 દિવસ સુધી અરવિંદ કેજરીવાલે જેલમાં રહેવું પડશે.

કેજરીવાલ તરફથી હાજર થઈને વરિષ્ઠ વકીલ એ એમ સિંઘવી વહેલી સુનાવણીનો કોર્ટમાં અનુરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે કહ્યું હતું કે તેને જે તારીખ આપી છે તે વહેલી તકે છે. વરિષ્ઠ વકીલે કહ્યું કે તે કોર્ટના અંતરાત્માને આંચકો આપવા માટે કેટલાક તથ્યો બતાવવા માંગે છે. કેટલાક લીક્સ છે.

આ મામલે સુપ્રીમ કોર્ટે  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસેથી 24 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી 29 એપ્રિલે નિર્ધારિત કરી હતી.

અગાઉ હાઈકોર્ટે 9 એપ્રિલે મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડને યોગ્ય ઠેરવીને જણાવ્યું હતું કે આ ધરપકડમાં કોઈ ગેરકાયદેસરતા નથી અને ED પાસે આના સિવાય ભાગ્યે જ કોઇ વિકલ્પ હતો, કારણ કે ઇડીને વારંવાર સમન્સ મોકલ્યા હોવા છતાં કેજરીવાલે તપાસમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો.

LEAVE A REPLY

nineteen − 15 =