Aryan-Ghonia

વેલ્સના કાર્ડીફમાં વ્હાઇટ ચર્ચમાં ફોરેસ્ટ ફાર્મ રોડ નજીક ટાફ નદીમાં ઠંડક માણવા ગયેલા 13 વર્ષના આર્યન ઘોનિયા નામના તરૂણનું ડૂબી જવાથી મરણ થતાં સમગ્ર વેલ્સમાં વસતા ભારતીય પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આર્યનને શ્રધ્ધાંજલિ આપવા જાણે કે સમગ્ર વેલ્સ ઉમટી પડ્યું હતું અને આર્યનને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

આર્યનના સ્વજન અને હિન્દુ કાઉન્સિલ વેલ્સ અને સનાતન ધર્મ મંડળ કાર્ડીફના અગ્રણી વિમલાબેન પટેલ MBEએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’ગત તા. 21ને મંગળવારે બપોર પછી આર્યન તેના મિત્રો સાથે કાર્ડિફમાં આવેલી રિવર ટાફના કિનારે ફરવા ગયો હતો. રિવર ટાફમાં હંમેશા પાણી છીછરું અને ઠીંચણ કરતા પણ નીચુ હોવાથી તેમને કોઇ ખતરો જણાતો નહતો. પરંતુ તે દિવસે આર્યને અલગ રૂટ લીધો હતો અને અચાનક જ અજાણ્યા પાણીમાં ડૂબી ગયો હતો. તેના મિત્રોએ આર્યન ઘોનિયા ગુમ થયાની જાણ કરતા સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, કોસ્ટગાર્ડ અને પોલીસ હેલિકોપ્ટર દ્વારા વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાગલગાટ એકાદ કલાકના સર્ચ ઓપરેશન બાદ મંગળવારે લગભગ 17:45 વાગ્યે ટાફ નદીમાંથી આર્યનનો મૃતદેહ મળી આવ્યો હતો.’’

વિમલાબેને જણાવ્યું હતું કે ‘’આર્યનની અંતિમ યાત્રા વખતે ડેનેસ્કોર્ટ પ્રાઇમરી સ્કૂલ અને તેની હાલની રેડિર કોમ્પ્રીહેન્સિવ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય સ્ટાફ શાળાના દરવાજા પર અને પેવમેન્ટ પર ઉપસ્થિત રહ્યો હતો અને આર્યનને શ્ર્ધ્ધાંજલિ અર્પણ કરી હતી. વરસતા વરસાદમાં લોકોએ આખરી વિદાય આપવા લાઇન લગાવતા અંતિમયાત્રામાં જોડાયેલા વાહનો પણ થંભી ગયા હતા. આર્યનની સાથે ભણતા વિદ્યાર્થીઓએ થોર્નહિલ ક્રિમેટોરિયમમાં આર્યનનો દેહ વહન કરતું કોફિન ઉંચકીને તેને અંતિમ વિદાય આપી ત્યારે ક્રિમેટોરિયમનાં ઉપસ્થિત સૌ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી.

આર્યનના પિતા જીતેન્દ્રભાઇ ફાર્મસીસ્ટ છે અને મૂળ સૌરાષ્ટ્રના ગોંડલ નજીકના દેવસરી ગામના વતની છે. જ્યારે તેની માતા હીનાબેન ગોંડલના વતની છે.

આર્યનની 8 વર્ષની બહેન નાવ્યાએ ભાઇને શ્રધ્ધાંજલિ આપતી એક તસવીર બનાવી હતી જેમાં આર્યનન તેનો હાથ છોડીને આકાશમાં દૂર ટમટમતા તારાઓ પર જતો બતાવ્યો હતો.

નાવ્યાએ તેને શ્રધ્ધાસુમન આપતાં લખ્યું હતું કે “મારી આંખો ખુલ્લી રાખીને, હું તમને જોઈ શકતી નથી. પરંતુ મારી આંખો બંધ કરીને હું તમને જોઈ શકું છું. તમે હંમેશા મારી સાથે રહેશો. તારી સાથેની યાદો હંમેશા યાદ કરતી રહીશ. અમે બધા તમને યાદ કરીશું. હું તને ખૂબ જ પ્રેમ કરું છુ અને હું મજબૂત બનીશ. તમારી નાની બહેન નવ્યા તરફથી પ્રેમ.”

તેના માતા પિતા જિતેન્દ્ર અને હિના ઘોનિયા પણ પોતાના વહાલા પુત્ર આર્યનના નિધનથી ખૂબ જ વ્યથિત છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે“આર્યન અમારો ‘લિટલ પ્રોફેસર’ હતો, તે ગણિતમાં તેજસ્વી હતો અને શૈક્ષણિક રીતે ઓલરાઉન્ડર હતો. તે હૂંફાળું વ્યક્તિત્વ ધરાવતો પ્રેમાળ કિશોર હતો જેને અમે સૌ જાણતા હતા અને બધા તેને પ્રેમ કરતા હતા. એવો દિવસ ક્યારેય નહીં આવે કે અમે તેને કદી યાદ નહિં કરીએ. તે અમારા હૃદયમાં કાયમ સમાયેલો રહેશે. અમે બધા માતાપિતાને તેમના બાળકોને નદીમાં રમવા જવાના જોખમ વિશે સજાગ થવા ભારપૂર્વક વિનંતી કરીએ છીએ. અમે ઈચ્છતા નથી કે કોઈ પણ માતા-પિતા અમારી જેમ દુર્ઘટનામાંથી પસાર થાય.”

વિમળાબેને એક પત્ર દ્વારા કાર્ડીફ વેલ્સના સમુદાય, ડેનેસ્કોર્ટ પ્રાઇમરી સ્કૂલ, રેડિર કોમ્પ્રીહેન્સિવ સ્કૂલ, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓના સદસ્યોનો આભાર માન્યો હતો.

આર્યનને શ્રધ્ધાંજલિ આપવા તેના મિત્રો દ્વારા નદી કિનારે ફૂલો, ફુગ્ગા અને સંદેશાઓ મૂકાયા હતા.

સ્થાનિક કાઉન્સિલર્સ, એમપી અને તેની શાળાના હેડટીચર્સે આર્યનને શ્રધ્ધાંજલિ આપી હતી.

પોલીસે કહ્યું હતું કે આ બનાવ અંગે કોરોનરને જાણ કરાઇ છે અને ઘટના અને કયા સંજોગોમાં તેનું નિધન થયું તેની તપાસ ચાલુ છે.

24 મેના રોજ, સ્વૉન્ઝી એન્ટરપ્રાઇઝ પાર્ક નજીક, તાવ નદીમાં મોરિસ્ટનના 13 વર્ષીય કેન એડવર્ડ્સનો મૃતદેહ મળી આવ્યા બાદ વેલ્સ વોટરે ગયા મહિને ડૂબવાના બનાવો અંગે ચેતવણી આપી હતી. વેલ્સમાં આકસ્મિક રીતે ડૂબી જવાથી 2021માં 26 અને 2020માં 25 મૃત્યુ થયા હતા.

વોટર સેફ્ટી વેલ્સના ચેરમેન ક્રિસ કાઉસન્સ અને કેનાલ એન્ડ રિવર ટ્રસ્ટના કેમ્પેઇન મેનેજર ક્લેર ગૌસીએ કિશોરો, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અથવા બાળકોને ચાહે તે ગમે તે ઉંમરના હોય પણ નદી કે દરિયાના પાણીના પ્રવાહથી દૂર રહેવા સમજ આપવા જણાવ્યું હતું.