કાપડ, ખાતર અને PET રેઝિન ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ, લંડન માટે હિમાયત કરતા સફળ હોટેલિયર અને  હેલ્થકેર ક્ષેત્રના કુશળ ઉદ્યોગસાહસિકને બુધવાર તા. 23ના રોજ સેન્ટ્રલ લંડનના વેસ્ટમિન્સ્ટર બ્રિજ પાર્ક પ્લાઝા ખાતે યોજાયેલા ઝાકઝમાળભર્યા એશિયન બિઝનેસ એવોર્ડ્સ સમારોહમાં સન્માનવામાં આવ્યા હતા. સમારોહની રાત્રે બિઝનેસ ક્ષેત્રે સફળતા મેળવનાર એક ડઝનથી વધુ પુરુષો અને મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બ્રિટનમાં 101 સૌથી ધનાઢ્ય એશિયનોને દર્શાવતા એશિયન રિચ લિસ્ટ – 2022નું વિમોચન કરાયું હતું. યુગાન્ડન એશિયનોની હકાલપટ્ટીની 50મી વર્ષગાંઠ નિમિત્તે એશિયન બિઝનેસ એવોર્ડ્સ સમારોહમાં એશિયન સમુદાયના મુખ્ય અગ્રણી પરમ પૂજ્ય રામબાપા, ફાર્મસી બિઝનેસમેન ડૉ. નિક કોટેચા અને ટ્રેડ એન્વોય લોર્ડ ડૉલર પોપટ સહિત અન્ય ત્રણ યુગાન્ડન એશિયનોને પર્લ ઑફ યુગાન્ડા પુરસ્કારો એનાયત કરી સરાહના કરવામાં આવી હતી.

એશિયન બિઝનેસીસની સફળતાની સરાહના કરવા માટે એશિયન મીડિયા ગ્રુપના વિખ્યાત સાપ્તાહિકો ઈસ્ટર્ન આઈ અને ગરવી ગુજરાતના પ્રકાશકો દ્વારા આ એવોર્ડનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 13 એશિયન બિઝનેસ એવોર્ડ એનાયત કરાયા હતા.

યુકેમાં શ્રેષ્ઠ એશિયન બિઝનેસની ઉજવણી કરતા વાર્ષિક એવોર્ડ સમારોહમાં ઇન્ડોરામાના શ્રી પ્રકાશ લોહિયા; ઈન્ટિગ્રિટી ઈન્ટરનેશનલ ગ્રૂપના ટોની મથારુ અને લાયકા હેલ્થના પ્રેમા સુભાષકરણની ઉચ્ચ સિદ્ધિઓ માટે બહુમાન કરી સરાહના કરવામાં આવી હતી.

આ પ્રસંગે સમારોહના મુખ્ય અતિથિ, ડચી ઓફ લેન્કાસ્ટરના ચાન્સેલર, ઓલિવર ડાઉડેને જણાવ્યું હતું કે “બ્રિટનનો એશિયન સમુદાય યુકેમાં સૌથી સફળ ઉદ્યોગસાહસિક જૂથોમાંના એક તરીકે વ્યાપકપણે ઓળખાય છે. બિઝનેસીસની રચના કરવી અને નોકરીઓ ઉભી કરવી તે એક નોંધપાત્ર સફળતાની વાર્તા છે.”

ઇન્ડ્રસ્ટ્રીયાલીસ્ટો, બિઝનેસ અગ્રણીઓ, સાંસદો અને સમાજના નેતાઓને સંબોધન કરતાં પોતે કિશોરવસ્થામાં એક એશિયન મહિલા દ્વારા ચલાવવામાં આવતા વેરહાઉસમાં કામ કર્યું હોવાનું યાદ કરી શ્રી ડાઉડેને જણાવ્યું હતું કે, “તાજેતરની કઠિન આર્થિક પરિસ્થિતિ છતાં, તમારી કંપનીઓએ ભવિષ્ય માટે વિકાસ, રોકાણ અને નોકરીઓનું સર્જન કરવાનું ચાલુ રાખ્યું છે. એશિયન બિઝનેસીસે નવીનતાઓનું સર્જન કરી તકોને હાંસલ કરી છે. આમ યુકેને તમારી મહત્વાકાંક્ષા, સખત મહેનત, સાહસ અને ગતિશીલતાની ભાવનાની પહેલા કરતાં વધુ જરૂર છે. બ્રિટનના અર્થતંત્રને ખીલવવા માટે રોકેટ ઇંધણ જેવી આગ જરૂરી છે.”

શ્રી ડાઉડેને આગાહી કરી હતી કે 2023 એ “અપવાદરૂપે મહત્વપૂર્ણ વર્ષ” હશે કારણ કે યુકે અને ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની નજીક છે. જેને ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સન દિવાળી સુધીમાં પૂર્ણ કરવા માંગતા હતા.

શ્રીમતી પાર્વતીબેન સોલંકી અને તેમના સ્વર્ગસ્થ પતિ, રમણીકલાલ સોલંકી CBEએ એપ્રિલ 1968માં ગરવી ગુજરાતની સ્થાપના કરી હતી. જે સમયાંતરે વિકસ્યું હતું અને AMGની સ્થાપના તરફ દોરી ગયું હતું.  જે હવે બ્રિટનનું સૌથી મોટું એશિયન પ્રકાશન ગૃહ છે.

8 સપ્ટેમ્બરના રોજ મહારાણીના અવસાનની જાહેરાત થયાના થોડા કલાકો પછી સ્વર્ગવાસી થયેલાં માતા પાર્વતીબેન સોલંકીને શ્રદ્ધાંજલિ આપી એશિયન મીડિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે, “ઉદ્યોગ સાહસ એ ઉમદા પ્રયાસ છે, નોકરીઓનું સર્જન કરવું અને રોજગારી પૂરી પાડવી એ કોઈને આજીવિકા, હેતુ અને તેમના સપના પૂરા કરવાની તક આપવાનો ઉમદા પ્રયાસ છે. અને એશિયન સમુદાય આ પ્રયાસમાં મોખરે રહ્યો છે.”

શરૂઆતના વર્ષોમાં ગરવી ગુજરાતની ભૂમિકા અને જ્યારે યુગાન્ડામાંથી હાંકી કાઢવામાં આવેલા એશિયન પરિવારો યુકેમાં આવ્યા તે સમયને યાદ કરતાં, શ્રી કલ્પેશ સોલંકીએ કહ્યું હતું કે “મારા પિતાએ યુગાન્ડાન એશિયનોને સ્થાયી થવા અને એકીકૃત કરવામાં મદદ કરવા માટે પોતાની જાતને લીન કરી હતી. તેઓ શરણાર્થી શિબિરોમાં ગયા જેથી તેમને જેની જરૂર છે તેની ખાતરી કરી શકાય અને તેમણે યુગાન્ડન શરણાર્થીઓને બ્રિટનમાં જીવન વિશે માહિતગાર અને શિક્ષિત કરવામાં મદદ કરી હતી. 1972ના ગરવી ગુજરાતના પાના તે સમયના ઇતિહાસ અને રાજકારણની એક મૂલ્યવાન બારી ખોલે છે અને જે ઘટનાઓ બની હતી તેનો રેકોર્ડ રજૂ કરે છે.”

2022 એશિયન રિચ લિસ્ટનું અનાવરણ કરનાર લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે ‘’આ પુરસ્કારો એશિયન બિઝનેસીસ દ્વારા રાજધાની લંડન તેમજ દેશમાં આપેલા “મોટા યોગદાન”ને દર્શાવે છે. ઇમિગ્રેશનથી બ્રિટનને ઘણો ફાયદો થયો હતો. ખરેખર, આપણે જેમને ખરેખર જરૂર હોય તેવા લોકોને મદદ કરવાના આપણા ઇતિહાસ પર ગર્વ લેવો જોઈએ, તેનાથી ભાગવું જોઈએ નહિં અથવા તો તેની તરફ પીઠ ફેરવવી જોઈએ નહીં”.

વેસ્ટકમ્બ ગ્રૂપના સ્થાપક વ્રજ પાનખણીયા અને તેમના પુત્રો કમલ અને સુનિલે તેમની પ્રોપર્ટી ડેવલપમેન્ટને કંપની કેવી રીતે આગળ વધારી તે અંગેની પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો.

પોતાના પિતાએ બ્રિટિશ આર્મી માટે કરેલા બાંધકામ અને કેમ્પ બનાવવાના પ્રોજેક્ટ્સને યાદ કરતા શ્રી વ્રજ પાનખણીયાએ જણાવ્યું હતું કે“મારા પિતાએ હંમેશા બાંધકામ ઉદ્યોગમાં કામ કર્યું હતું. તેથી પ્રેપર્ટી મારા લોહીમાં વહે છે. હું જ્યારે અહીં આવ્યો ત્યારે હું માત્ર 17 વર્ષનો હતો, અને દેખીતી રીતે જ મારી પાસે પૈસા નહોતા. ત્યારે મોટર રેસના શોખે મને કારના ખરીદ-વેચાણ માટે કામ શરૂ કરવું પડ્યું હતું. જ્યારે મારી પાસે લગભગ £1,000 ડિપોઝિટ આવી હતી ત્યારે સાઉથ ઇસ્ટ લંડનના વેસ્ટકમ્બમાં £10,000નું ઘર ખરીદવામાં સફળ થયો હતો. અમે તેને રીફર્બીશ કરીને £14,000માં વેચી દીધું હતું. અને ત્યાંથી, ત્યારથી મારે ક્યારેય પાછુ વળીને જોવાની જરૂર પડી નથી. બસ એક પછી એક બિલ્ડીંગ્સ ખરીદતા ગયા હતા.”

એવોર્ડ વિજેતા અગ્રણીઓમાં  હોટેલિયર કૂલેશ શાહનો સમાવેશ થાય છે, છે, જેમને એશિયન બિઝનેસ ફિલાન્થ્રોપી એવોર્ડ અપાયો હતો. તેમના ફાઉન્ડેશને ગરીબી, ઘરવિહોણા અને માનસિક સ્વાસ્થ્યનો સામનો કરતી સખાવતી સંસ્થાઓને સમર્થન આપ્યું હતું.

સૉલ ફૂડ્સ ગ્રુપના સીઈઓ અલી જાનમોહમ્મદને એશિયન બિઝનેસ ફ્રેન્ચાઈઝ બિઝનેસ ઑફ ધ યર એવોર્ડ અપાયો હતો. તો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ઈન્ટરનેશનલ બિઝનેસના પ્રેસિડેન્ટ ગેરી એકલ્સને એશિયન બિઝનેસ સીઈઓ ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

શ્રી પ્રકાશ લોહિયાના ઈન્ડોરમા કોર્પોરેશનને ‘એશિયન બિઝનેસ ઑફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું, જ્યારે લાયકાહેલ્થના સ્થાપક પ્રેમા સુભાષકરણને ‘એશિયન બિઝનેસવુમન ઑફ ધ યર’નો એવોર્ડ અપાયો હતો.

ઉદ્યોગસાહસિક, આર્ટ પેટ્રન અને ફીલાન્થ્રોપિસ્ટ શ્રી મથારુને એશિયન બિઝનેસ કોમ્યુનિટી ચેમ્પિયન એનાયત કરાયો હતો.

ફેન્ચર્ચ એડવાઈઝરીના સ્થાપક અને સીઈઓ મલિક કરીમ; યુગાન્ડન વિદેશ મંત્રાલયના અધિકારી અને એમ્બેસેડર ડૉ. મુમતાઝ કાસમ અને રેન્ડલ ચેરિટેબલ ફાઉન્ડેશનના ડૉ. નિકેશ કોટેચા, OBE, DL સાથે યુગાન્ડન એશિયનોના અનુભવો પર એક અલગ પેનલ ચર્ચા થઈ હતી.

સમારોહના અતિથિઓએ વંચિત બાળકોના શિક્ષણ માટે કામ કરતી ચેરીટી સંસ્થા ‘પ્રથમ યુકેટને પણ ઉદારતાથી દાન આપ્યું હતું.

LEAVE A REPLY

15 + 20 =