અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇડેને એશિયન અમેરિકનો ઉપર વધતા હુમલાની ઘટનાઓ વખોડી કાઢતાં સમુદાયને જણાવ્યું હતું કે, વંશવાદ અને વિદેશીઓ તરફના અણગમામાં રાષ્ટ્ર સામેલ ના થઇ શકે. એટલાન્ટામાં છ એશિયન મહિલાઓનો ભોગ લેનારી આડેધડ ગોળીબારની ઘટનાના સંદર્ભમાં જ્યોર્જિયામાં એશિયન અમેરિકન સમુદાયના અગ્રણીઓ સાથેની મુલાકાત પછી એમ્ટોરી યુનિવર્સિટી ખાતે બોલતા બાઇડેને હેઇટ ક્રાઇમ અને વંશવાદને વરવા ઝેર તરીકે ઓળખાવ્યું હતું.
બાઇડેને જણાવ્યું હતું કે, અમેરિકાને લાંબા સમયથી કનડતા રહેલા આવા વરવા દૂષણ પરત્વે મૌન રહેવાથી સ્થિતિ વણસતી હોય છે. આવા વરવા પ્રદર્શનમાં આપણે સામેલ ના થઇ શકીએ, આપણે તેની સામે અવાજ ઉઠાવી નક્કર પગલાં ભરવા જ રહ્યા. બાઇડેને જણાવ્યું હતું કે, શબ્દોને પણ તેના આનુષાંગિક પરિણામો હોય છે. તે કોરોના વાઇરસ છે જેનાં ઉપર પૂર્ણવિરામ મુકાવો જોઇએ.
વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની સાથે આવેલા બાઇડેને નોંધ્યું હતું કે, એશિયન અમેરિકનો તથા પેસિફીક આઇલેન્ડરો ઉપરના હુમલા આસમાનને આંબે તેટલા પ્રમાણમાં વધી ગયા છે. સ્ટોપ આપી હેઇટ ગ્રુપે જણાવ્યા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં શાબ્દિક, શારીરિક હુમલા, નાગરિક અધિકાર ભંગ તથા દ્વેષભાવની 3800થી વધારે ઘટનાઓ બની હતી.
આટલાન્ટાના ગોળીબારમાં ઠાર કરાયેલી ચાર મહિલાઓમાં 51 વર્ષના હીયુન ગ્રાન્ટ, 74 વર્ષનાં સુન પાર્ક, 63 વર્ષનાં યુઇ અને 69 વર્ષનાં સુન્ચા કીમનો સમાવેશ થાય છે. ગોલ્ડ સ્પાના હીયુન ગ્રાન્ટ બે પુત્રોનાં માતા અને સિંગલ મધર હતા. તેના 23 વર્ષના પુત્ર રેન્ડી પાર્કે જણાવ્યું હતું કે, તેની માતા બે બાળકોના ઉછેરને સંપૂર્ણપણે સમર્પિત હતા.
એટલાન્ટા ગોળીબારના આરોપી રોબર્ટ લોંગે તેનો ગુનો કબૂલ્યો હતો પરંતુ વંશીય ધિક્કારથી તેણે હુમલો કર્યાનો ઇનકાર કર્યો હતો. લોંગે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તે સેક્સનો વ્યસની હતો.