યુરોપના જર્મની, સ્પેન, ફ્રાન્સ અને ઇટાલીમાં કોરોનાના નવા તબક્કાને કારણે મોટાભાગના શહેરોમાં ફરી પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. યુરોપ કોરોનાનું ત્રીજો તબક્કો અટકાવવામાં નિષ્ફળ રહેતાં હવે બધાની નજર અમેરિકા તરફ છે. અમેરિકામાં પણ ફરી કોરોના મહામારી ફેલાઇ શકે છે. ફ્રાન્સમાં પેરિસ અને નીસ સહિત 16 પ્રાંતોમાં નવા પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા. ઇટાલીના રોમ અને મિલાન શહેરોમાં કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે. સ્પેનમાં મેડ્રિડને બાદ કરતાં મોટાભાગના પ્રાંતોમાં પ્રવાસન માટે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
જર્મનીના બર્લિનમાં પણ કોરોનાના કેસમાં વધારો નોંધાતા લોકડાઉનમાં છૂટછાટો અટકાવવામાં આવી છે. બીજી તરફ અમેરિકામાં પણ નવા વેરીઅન્ટના કેસો ઝડપથી વધી રહ્યા છે અને સીડીસીના જણાવ્યા અનુસાર આ મહિનાના અંતે તે મુખ્ય સ્ટ્રેઇન બની રહેશે.
દરમ્યાન ફ્રાન્સમાં કોરોના વાઇરસનો એક એવો સ્ટ્રેઇન જોવા મળ્યો છે જે નાકમાંથી લેવામાં આવતાં સ્વેબમાં ઝડપાતો નથી. ફ્રાન્સના એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે કોરોના વાઇરસના સ્પાઇક પ્રોટીનમાં ઘણીવાર મ્યુટેશન થવાને કારણે હવે તે નાકના સ્વેબ દ્વારા કરવામાં આવતાં ટેસ્ટમાં પકડાતો નથી. નવા સ્ટ્રેઇનની શક્ય તમામ રીતે તપાસ કરવામાં આવી પણ તે ઝડપાતો નથી. એટલે કે આ નવો સ્ટ્રેઇન નિયંત્રણમાં આવ્યા વગર ફ્રાન્સમાં ફેલાઇ રહ્યો છે.
ફ્રાન્સના વડાપ્રધાન કાસ્ટેક્સે જણાવ્યું હતું કે અમને એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી પર પુરો ભરોસો છે તે દર્શાવવા માટે અમે તેનો ડોઝ લઇ રહ્યા છીએ. ફ્રાન્સમાં એક સર્વેમાં જાણવા મળ્યા અનુસાર માત્ર 22 ટકા લોકોને જ એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી પર ભરોસો છે.
જર્મનીમાં પણ એસ્ટ્રાઝેનેકાની રસી આપવાનું ફરી શરૂ કરવામાં આવ્યું છે. જર્મનીમાં રસી આપવાનો દર ધીમો છે. અત્યાર સુધીમાં વસ્તીના 8.4 ટકાને રસીનો એક ડોઝ અને 3.7 ટકાને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. જર્મનીમાં કોરોનાના નવા 17,482 કેસો નોંધાયા હતા અને 226 લોકોના મોત થયા હતા.
અમેરિકામાં પ્રેસિડેન્ટ જો બાઇડને જણાવ્યું હતું કે 100 મિલિયન અમેરિકનોને રસી આપવાના તેમના લક્ષ્યાંકને નિશ્ચિત સમય અગાઉ જ સિદ્ધ કરવામાં આવશે. અમેરિકા પાસે અત્યારે ત્રણ રસીઓનો પૂરતો જથ્થો છે જે દસ સપ્તાહમાં દેશમાં તમામ અમેરિકનોને આપવામાં આવશે.