Chancellor of the Exchequer Jeremy Hunt (Photo by Rob Pinney/Getty Images)

ચાન્સેલર જેરેમી હંટે હાઉસ ઓફ કોમન્સમાં તેમના ઓટમ સ્ટેટમેન્ટ દ્વારા સરકારી બુક્સને પાટા પર લાવવાની પ્રતિજ્ઞા સાથે દેશની નાણાકીય સ્થિતિ સુધારવાના હેતુથી બિલિયન્સ પાઉન્ડના ટેક્સમાં વધારો અને ખર્ચમાં ઘટાડો જાહેર કર્યો છે. સરકારની આવકમાં £24 બિલિયનનો ઉમેરો કરવા કેટલાક ટેક્સની જાહેરાત કરી છે તો બીજી તરફ તેમણે સરકારના ખર્ચમાં £30 બિલિયનનો ધટાડો કર્યો છે. જેને કરાણે જેલ બિલ્ડિંગના નિર્માણ સહિત કેટલાક કેપિટલ પ્રોજેક્ટને નિયંત્રણોનો સામનો કરવો પડશે.

નવા સ્ટેટમેન્ટ મુજબ સરેરાશ ઘરનું એનર્જી બિલ આગામી એપ્રિલમાં વર્ષે 3,000 સુધી પહોંચશે જ્યારે ફુગાવાને મેચ કરવા પેન્શન અને બેનિફીટ્સમાં 10.1%નો વધારો થશે.  ફુગાવાનો દર 11.1 ટકાની 41 વર્ષની ઊંચી સપાટીએ છે ત્યારે તેને નીચે લાવવા માટે ‘બલિદાન’ની જરૂરિયાત અંગે ચેતવણી આપી ચાન્સેલરે ગયા મહિને જાહેર કરેલા £32 બિલિયન્સના ટેક્સ વધારા બાદ વધુ £24 બિલિયન્સનો ટેક્સ વધારવાની અપેક્ષા રાખે છે તેમ જણાવ્યું છે. હાલમાં બીજા વિશ્વ યુદ્ધ પછીના રેકોર્ડ તરીકે એકંદર ઘરદીઠ બોજની રકમ £854 પર પહોંચી છે.

સરકાર ‘સૌથી વધુ સંવેદનશીલ’એના બેનિફીટ પરના લોકોને મોંઘવારીમાં વધારાના ખર્ચાને પહોંચી વળવા બેન્ફિટ્સ પર હોય તેમને £900, પેન્શનરોને £300 અને ડીસેબલીટી બેન્ફિટ્સ પર હોય તેમને £150ની સહાય કરશે. બીજી તરફ અગાઉ જાહેર કરાયેલ સ્ટેમ્પ ડ્યુટી કટને 2025માં ઉલટાવી દેવાની જાહેરાત કરાઇ હતી.

કરવેરા અને વેતન

23 વર્ષથી વધુ ઉંમરના લોકો માટેનો મિનિમમ વેજ આગામી એપ્રિલથી £9.50થી વધારીને £10.42 પ્રતિ કલાક કરાશે. ફુગાવાને અનુરૂપ સ્ટેટ પેન્શન અને ડીસેબીલીટી બેનીફીટ્સ 10.1% કરાશે. જેના કારણે સ્ટેટ પેન્શનમાં સપ્તાહમાં £18.70 થી લઇને £203.85 સુધીનો વધારો થશે.

£150,000ને બદલે હવે £125,140થી વધુની કમાણી પર આવકવેરાનો ટોચનો 45% વધારાનો દર ચૂકવવો પડશે. આ બદલાવથી વધુ 250,000 લોકોને વધુ ઇન્કમ ટેક્સ ભરવો પડશે. આવકવેરા માટેનું પર્સનલ એલાઉન્સ, હાયર રેટ થ્રેશોલ્ડ, મેઇન નેશનલ ઇન્સ્યોરંશ અને ઇનહેરિટન્સ ટેક્સ થ્રેશોલ્ડ વધુ બે વર્ષ માટે, એપ્રિલ 2028 સુધી સ્થિર રખાયો છે. બેઝિક ટેક્સ રેટ થ્રેશોલ્ડ 2028 સુધી £12,571 પર રહેશે, જ્યારે 40p ટેક્સ માટે સ્ટાર્ટીંગ પોઇન્ટ £50,271 પર રાખવામાં આવશે. ડિવિડન્ડ અને કેપિટલ ગેઈન ટેક્સ માટેના ટેક્સ ફ્રી એલાઉન્સ આવતા વર્ષે અને 2024માં કાપવામાં આવશે.  ઈંગ્લેન્ડમાં હવે સ્થાનિક કાઉન્સિલો તેમના કાઉન્સિલ ટેક્સમાં એક વર્ષમાં 5% સુધીનો વધારો કરી શકશે.

એનર્જી

બે વર્ષ માટે સરેરાશ એનર્જી બીલની £2,500 પર કેપ કરવાની લિઝ ટ્રસની એનર્જી ‘ગેરંટી’ હવે એપ્રિલથી વધારીને લગભગ £3,000 કરવામાં આવશે. આ શિયાળામાં £400ની યુનિવર્સલ એક વખતની ચુકવણીનું પુનરાવર્તન કરવામાં આવશે નહીં, એટલે કે લાખો પરિવારોને £900નું સરેરાશ વધુ નુકશાન થશે. કોર્નવોલ ઇનસાઇટ્સનો અંદાજ છે કે સરકારની મદદ વિના બિલની રકમ વધીને £4,245 થશે.

વિન્ડફોલ ટેક્સ

ઓઇલ અને ગેસ કંપનીઓના નફા પર વિન્ડફોલ ટેક્સ 25%થી વધીને 35% લેવાશે અને તેને માર્ચ 2028 સુધી લંબાવવામાં આવ્યો છે. વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓ પર નવો “કામચલાઉ” 45% ટેક્સ જાન્યુઆરીથી લાગુ થશે. એનર્જી બીલ એપ્રિલથી વાર્ષિક £3,000 સુધી વધશે. તેનો અર્થ એ છે કે યુકેની કામગીરીના નફા પર એનર્જી કંપનીઓને 65 ટકાથી 75 ટકા સુધીના ચાર્જનો સામનો કરવો પડશે. જૂના રિન્યુએબલ અને ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી જનરેશનના નફા પર પણ 40 ટકા ટેક્સ લાગશે, જે મળીને આવતા વર્ષે લગભગ £14 બિલિયન એકત્ર કરાશે.

ઇકોનોમી અને પબ્લિક ફાઇનાન્સ

ઑફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી યુકેમાં મંદી હોવાનું માને છે, એટલે કે અર્થવ્યવસ્થા સતત બે ક્વાર્ટરથી ધીમી પડી છે. આ વર્ષે એકંદરે 4.2% વૃદ્ધિની આગાહી કરાઇ છે, પરંતુ અર્થતંત્રનું કદ 2023માં 1.4% ઘટશે. 2024, 2025 અને 2026માં 1.3%, 2.6% અને 2.7%ના દરે અર્થતંત્રમાં વૃદ્ધિ થશે. યુકેના ફુગાવાનો દર આ વર્ષે 9.1% અને આવતા વર્ષે 7.4% રહેવાની આગાહી કરાઇ છે. 2024માં બેરોજગારી 3.6%થી વધીને 4.9% થવાની ધારણા છે. સરકાર પોતાના દેવા અને ખર્ચના લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે હાલના ત્રણ વર્ષને બદલે પાંચ વર્ષ લેશે.

સરકારી ખર્ચ

શેડ્યુલ્ડ પબ્લિક સ્પેન્ડીંગ 2025 સુધી જાળવવામાં આવશે, પરંતુ તે પછી અગાઉની અપેક્ષા કરતાં તેમાં વધુ ધીમી વૃદ્ધિ થશે. ઈંગ્લેન્ડમાં, આગામી બે વર્ષ માટે NHS બજેટમાં વાર્ષિક £3.3 બિલિયનનો અને શાળાઓ પરના ખર્ચમાં £2.3 બિલિયનનો વધારો થશે. તેનો અર્થ એ છે કે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લૅન્ડની ડીવોલ્વ્ડ સરકારોને મોટી ચૂકવણી થશે. ડીફેન્સ સ્પેન્ડીંગ – નાટોના લક્ષ્ય મુજબ રાષ્ટ્રીય આવકના 2% પર જાળવવામાં આવશે. વિદેશી સહાય ખર્ચ આગામી પાંચ વર્ષ માટે 0.5% પર રાખવામાં આવ્યો છે, જે સત્તાવાર 0.7%ના લક્ષ્ય કરતાં ઓછો છે.

બિઝનેસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર

બ્રેક્ઝિટ પછીના નિયમન કેવી રીતે ઉભરતી ટેકનીકોને સમર્થન આપી શકે છે તેની સમીક્ષા કરવા માટે ચિફસાયન્ટીફીક એડવાઇઝર સર પેટ્રિક વેલેન્સની વરણી કરાઇ છે. ખર્ચ ઘટાડવા માટે અમુક ખાદ્ય ઉત્પાદનો સહિત 100 થી વધુ માલ-સામાન પરની ઇમ્પોર્ટ ડ્યુટી બે વર્ષ માટે દૂર કરવામાં આવી છે. “જટિલતા” ને કારણે ઓનલાઈન વેચાણ પરનો આયોજિત ટેક્સ હમણાં ટાળવામાં આવ્યો છે.

અન્ય પગલાં

ઑક્ટોબર 2023માં ઇંગ્લેન્ડમાં સોસ્યલ કેર ખર્ચ પરની આજીવન મર્યાદા બે વર્ષ માટે વિલંબિત કરાઇ છે. ઈંગ્લેન્ડમાં સોસ્યલ હાઉસિંગ રેન્ટમાં આગામી એપ્રિલથી 7%નો વધારો કરાયો છે. ઈલેક્ટ્રિક કાર, વાન અને મોટરસાઈકલ માટે એપ્રિલ 2025થી રોડ ટેક્સ ચૂકવવાનો રહેશે. સફોકને હવે કોર્નવોલ, નોર્ફોક અને નોર્થ ઇસ્ટ ઈંગ્લેન્ડના વિસ્તારના મેયર સાથે ચૂંટાયેલા મેયર મળશે. ચાન્સેલરે સોસ્યલ કેરના ખર્ચની મુખ્ય મર્યાદા પર બે વર્ષની કેપ મૂકતા આવતા વર્ષે £1 બિલિયનની બચત થશે એમ મનાય છે.

LEAVE A REPLY

14 − 10 =