(PTI11-07-2020_000191B)

યુકે ભરમાં કોવિડ-19ના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ BAME અને ખાસ કરીને સાઉથ એશિયન મૂળના લોકોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં હજૂ પણ સ્થિતી ખરાબ છે અને ચેપનું પ્રમાણ વ્યાપક જણાઇ રહ્યું છે.

ઇંગ્લેન્ડના BAME અને ખાસ કરીને સાઉથ એશિયન મૂળના લોકોનું પ્રભુત્વ ધરાવતા કુલ 14 બરોમાં કોવિડ-19ના 500 કરતા વધુ દર્દીઓ નોંધાયા છે. સ્લાવમાં તો 17.7 ટકા, લુટનમાં 13.1 ટકા અને રેડબ્રિજમાં તો 22.1 ટકાના દરે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

બર્મિંગહામમાં 4252, બ્રેડફર્ડમાં 2622, લેસ્ટરમાં 1691, ઓલ્ડહામમાં 1109, રોશડેલમાં 1051, બોલ્ટનમાં 1102, રેડબ્રીજ (લંડન)માં 894, ટાવર હેમ્લેટ્સ (લંડન)માં 840,  બ્રેન્ટ (લંડન)માં 703 અને ઇલિંગ (લંડન)માં 846 દર્દીઓએ તા. 17 નવેમ્બરના રોજ પૂરા થતા સાત દિવસ દરમિયાન કોવિડ-19ના કારણે સારવાર લીધી હતી.

જ્યારે આશાના કિરણ સમાન બેડફર્ડ, બોલ્ટન, રોશડેલ અને ઓલ્ડહામ કાઉન્સિલ વિસ્તારોમાં ચેપના દર્દીઓમાં સારો વો ઘટાડો નોંધાયો છે. પરંતુ તે બધી જ બરોમાં દર્દીઓની સંખ્યા 1000 કરતાં પણ વધારે છે.

લુટન કાઉન્સિલના પબ્લિક હેલ્થ એન્ડ કમિશનીંગ પોર્ટફોલિયો હોલ્ડર ખતીજા મલિકે જણાવ્યું હતું કે ‘’લુટન પાસે ચેપના વ્યાપક ફેલાવા પર નિયંત્રણ મેળવવાની યોજના છે. અમારું માર્ગદર્શન રહેવાસીઓ સુધી પહોંચે છે. આપણે જાણીએ છીએ કે લુટનમાં મોટાભાગનું ટ્રાન્સમિશન ઘરની અંદર અને ઘરોની વચ્ચે થાય છે. આશરે 40 ટકા કેસો તો ઘરોમાં થયેલા ટ્રાન્સમિશન સાથે જોડાયેલા છે અને ખાસ કરીને તે મોટા ઘરોમાં જોવાયા છે, જેમાં ઘણી વાર ત્રણ કે વધુ પેઢીના લોકો સાથે રહેતા હોવાથી સમસ્યા થઇ છે. મોટા ઘરોમાં સેલ્ફ આઇસોલેટ થવું ખૂબ મુશ્કેલ છે. બાથરૂમ અને રસોડા જેવા કોમન સ્થળોનો ઉપયોગ અલગ રાખવો અને ઘટાડવો ખૂબ મુશ્કેલ બને છે.’’

તેમણે જણાવ્યું હતું કે ‘’અમે ઘરે અસરકારક રીતે સેલ્ફ આઇસોલેટ થવા માટે માર્ગદર્શન અને સહાય આપીએ છીએ. અમે સંવેદનશીલ લોકોને કે જેઓ ઘરે નથી થઇ શકતા તેમને સેલ્ફ આઇસોલેટ થવા માટે હોટેલની સગવડ પૂરી પાડીએ છે. અમને સરકારી અનુદાન પ્રાપ્ત થયું છે. પરંતુ લુટન એરપોર્ટની આવકનું વિનાશક નુકસાન થતાં અમારા બજેટમાં £50 મિલિયનની ખામી સર્જાતા અમે બેસ્પોક પેકેજ અંગે સરકાર સાથે ચર્ચામાં છીએ. કાઉન્સિલ દ્વારા ઇમરજન્સી બજેટમાંથી પહેલાથી જ £22 મિલિયન બહાર કાઢવામાં આવ્યા છે. તેને કારણે ખૂબ જ મુશ્કેલ નિર્ણયો લેવા પડ્યા હોવાથી તેની અસર સ્થાનિક સમુદાયો પર પડી હતી અને પરિણામે નોકરીમાં નુકસાન થયું હતું. અમે આ અભૂતપૂર્વ પડકારો માટે લડવા એક પેકેજ પ્રદાન કરવા સરકારને વિનંતી કરીએ છીએ.’’

હૌંસલો કાઉન્સિલના નેતા કાઉન્સિલર સ્ટીવ કરેને જણાવ્યું હતું કે ‘’હૌંસલોમાં આજની તારીખે દર 100,000 લોકોએ 195 દર્દીઓ નોંધાયા છે. અને તે પ્રમાણમાં સ્થિર છે. તેથી ચેપ આ ક્ષણે ખૂબ આગળ વધી રહ્યો નથી. બીજી નોંધનીય બાબત એ છે કે કોઈ એક વિસ્તારમાં, અથવા વોર્ડમાં ચેપનો દર સતત ઉંચો થયો નથી. હૌંસલો સેન્ટ્રલ અને  હૌંસલો હીથ વિસ્તારમાં ચોક્કસપણે ચેપનો ઉંચો દર છે. લંડન આખામાં ચેપના દરમાં વધઘટ થાય છે. પડોશના રિચમંડમાં ઉંચા દરો જોયા છે. અમે સમુદાયો સાથે પ્રયાસ કરીને તે આંકડાઓ નીચે લાવવા માટે અમે શક્ય તે બધું કરીએ છીએ.’’

તેમણે જણાવ્યું હતું કે ‘’શાળાઓ શરૂ થતા અમે 10 અને 19 વર્ષની વયના બાળકોમાં કેસોમાં વધારો જોયો છે. 60 વર્ષથી વધુ વયના લોકો આ બધા કિસ્સાઓમાં લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે. તેથી અમે તે વય જૂથને સુરક્ષિત કરવામાં ખૂબ અસરકારક રહીએ છીએ. અમારે ત્યાં એવા ઘરો છે જેમાં ઘણી પેઢોના લોકો વસતા હોય જે ચિંતાનો વિષય છે. પરંતુ અમે સ્થાનિક સમુદાયો સાથે તકેદારીના પગલા વિષે ચર્ચા કરી ચેપને નીચે લાવ્યા છીએ. અમે અમારી વેબસાઇટ પર અને દુકાનોમાં વિવિધ ભાષાઓમાં માહિતી, પત્રિકાઓ મૂક્યા છે. અમને ગ્રેટર લંડન કાઉન્સિલ દ્વારા મેયરનો ટેકો મળે છે.’’

BAME અને ખાસ કરીને સાઉથ એશિયન લોકોનું પ્રભુત્વ ધરાવતા બરોમાં કોરોનાવાયરસના કેસોના આંકડા

વિસ્તાર

 

કુલ કેસોની સંખ્યા (તા. 17 નવેમ્બર સુધીના સાત દિવસમાં) રેટ (+ વધ્યો / ઘટ્યો)
બર્મિંગહામ 4252 +1.9 ટકા
બ્રેડફર્ડ 2622 -11.1 ટકા
લેસ્ટર 1691 -2.6 ટકા
સ્લાવ 525 +17.7 ટકા
લુટન 614 +13.1 ટકા
ઓલ્ડહામ 1109 -29.6 ટકા
રોશડેલ 1051 -14.8 ટકા
બોલ્ટન 1102 -18.6 ટકા

 

રેડબ્રીજ (લંડન) 894 +22.1 ટકા
ટાવર હેમ્લેટ્સ (લંડન) 840 +8.4 ટકા
બ્રેન્ટ (લંડન) 703 +5.1 ટકા
હેરો (લંડન) 484 +9.3 ટકા
ઇલિંગ (લંડન) 846 +6.8 ટકા
હૌંસલો (લંડન) 561 +11.8 ટકા