લેબર પાર્ટીએ લેસ્ટર સિટી કાઉન્સિલની આગામી મે માસની ચૂંટણી માટે પૂર્વ લોર્ડ મેયર અને કાઉન્સિલર રશ્મિકાંત જોશી સહિત બ્લેક, એશિયન, માઇનોરીટી અને એથનિક પૃષ્ઠભૂમિના 19 સિટિંગ કાઉન્સિલરોને દૂર કરવાનો નિર્ણય લેતા લેસ્ટરના BAME સમુદાયમાં વ્યાપક રોષ ફેલાયો છે. લેબર પાટીની આ માટે ટીકા કરવામાં આવી રહી છે. જો કે લેબર પક્ષના સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું છે કે તાજેતરમાં પસંદ કરાયેલા ઉમેદવારો લેસ્ટરમાં તમામ સમુદાયોના પ્રતિનિધિ છે અને ફેરફારો BAME પ્રતિનિધિત્વ અને મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો કરશે.

લેસ્ટરના ભૂતપૂર્વ લોર્ડ મેયર અને વર્તમાન સિટી કાઉન્સિલર રશ્મિકાંત જોશીએ લેબર દ્વારા નાપસંદ થયા બાદ કન્ઝર્વેટિવ્સમાં પક્ષપલટો કર્યો છે. તેઓ લેબર પક્ષનું છેલ્લા 18 વર્ષથી સત્તા પર પ્રતિનિધિત્વ કરે છે. નોર્થ એવિંગ્ટન વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સિલર રશ્મિકાંત જોશીએ જાહેરાત કરી છે કે તેઓ ગુરુવાર, મે 4 ના રોજ સ્થાનિક ચૂંટણીમાં ટોરી ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

મળતી માહિતી મુજબ 26 BAME લેબર સિટી કાઉન્સિલરોમાંથી 15ને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે જ્યારે શ્વેત લેબર કાઉન્સિલરોમાંથી આ પ્રમાણ 22માંથી માત્ર ચારનું જ છે.

હમ્બરસ્ટોન અને હેમિલ્ટનના કાઉન્સિલર રુમા અલીએ NEC દ્વારા નાપસંદ થયા બાદ તરત જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતું અને હવે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. તેમણે કહ્યું હતું કે “સમુદાયો હવે ઘણા તણાવમાં છે, ગુસ્સે છે અને અસ્વસ્થ છે અને મને નથી લાગતું કે તેઓ ફરીથી લેબરને મત આપશે. હું માનું છું કે પક્ષ જાતિવાદી છે અને આ કોણ સારો કે ખરાબ કાઉન્સિલર છે તેની સાથે તેમને કોઈ લેવાદેવા નથી. મને મેયર સર પીટર સૉલ્સબી દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે મને ઉમેદવાર તરીકે ફરીથી પસંદ કરવામાં આવશે.’’

સ્ટોનીગેટના કાઉન્સિલર શરમેન રહેમાનને પણ લેબર પાર્ટીએ નાપસંદ કર્યા છે. જે વોર્ડની લગભગ 70 ટકા વસ્તી વંશીય લઘુમતીની છે.

બીજી તરફ સર પીટર કહી રહ્યા છે કે “ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે નિષ્પક્ષ લોકો દ્વારા કરાઇ છે. તેમાં મારો કોઈ ભાગ નહોતો. તે એક નિષ્પક્ષ પ્રક્રિયા હતી. લોકોને તેમની યોગ્યતાના આધારે પસંદ કરાયા છે નહિં કે તેઓ કયા સમુદાયના છે તેના આધારે.  ઉમેદવારોની ખૂબ જ વૈવિધ્યસભર શ્રેણીની પસંદગી કરવામાં આવી છે.”

LEAVE A REPLY

two × 3 =