રશિયાના પ્રેસિડન્ટ વ્લાડિમિર પુતિનના નિવાસસ્થાન પર યુક્રેનના કથિત ડ્રોન હુમલાના અહેવાલ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુરોધ કર્યો હતો કે બંને દેશોએ યુદ્ધનો અંત લાવવા માટે રાજદ્વારી પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.
સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં મોદીએ જણાવ્યું હતું કે રશિયાના પ્રેસિડન્ટના નિવાસસ્થાને ટાર્ગેટ બનાવાયા અહેવાલથી ચિંતિત છું. હાલના સંઘર્ષના અંત અને શાંતિ હાંસલ કરવા માટે હાલમાં ચાલુ રહેલા રાજદ્વારી પ્રયાસો શ્રેષ્ઠ વિકલ્પ છે.
સોમવારે રશિયાના વિદેશ મંત્રાલય સર્ગેઇ લાવરોવે દાવો કર્યો હતો કે મોસ્કો અને સેઇન્ટ પીટરબર્ગ વચ્ચે આવેલા પુતિનના નિવાસસ્થાન પર યુક્રેનને એક ડ્રોન હુમલો કર્યો હતો. પુતિનના નોવગોરોડ રિજનમાં આવેલા નિવાસસ્થાન નજીક 91 ડ્રોનને આંતરીને તોડી પડાયા હતાં. આ હુમલાથી કોઇ નુકસાન કે જાનહાનિ થઈ નથી. જોકે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમીર ઝેલેન્સ્કીએ આ દાવાને ફગાવી દઈને જણાવ્યું હતું કે કીવ પરના નવા હુમલાને વાજબી ઠેરવવા માટે આ રશિયાનું વધુ એક જુઠ્ઠાણું છે. રશિયાએ અંગે યુક્રેનના કેબિનેટ પ્રધાનોના બિલ્ડિંગ સહિતના સ્થળોએ કીવ પર હુમલા કર્યો હતાં.
શાંતિની સ્થાપના માટે ઝેલેન્સ્કી સાથે તાજેતરમાં બેઠક કરનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જણાવ્યું હતું કે મને તે ગમ્યું નથી. તે સારું નથી. મેં આજે પ્રેસિડન્ટ પુતિન પાસેથી તેના વિશે જાણકારી મેળવી હતી. મને તેના વિશે ખૂબ ગુસ્સો આવ્યો છે. આ એક નાજુક સમય છે. આ યોગ્ય સમય નથી. આક્રમક બનવું બનવું એક વાત છે, કારણ કે તેઓ આક્રમક છે. તેમના ઘર પર હુમલો કરવો એ બીજી વાત છે. આ કંઈ કરવાનો યોગ્ય સમય નથી.













