બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન દ્વારા ફેલિક્સ પ્રોજેક્ટને 24 ટન લોટ દાનમાં આપવામાં આવ્યો છે. ફેલિક્સ પ્રોજેક્ટ તાજો અને પૌષ્ટિક ખોરાક એકત્રિત કરે છે અને તેને ચેરિટીઝ અને શાળાઓને પહોંચાડે છે જેથી તેઓ તંદુરસ્ત ભોજન મેળવી શકે અને ઘરવિહોણા લોકો સહિત સમાજના સૌથી સંવેદનશીલ લોકોને મદદ કરી શકે. ફેલિક્સ પ્રોજેક્ટને નીસ્ડન મંદિર તરફથી અપાનાર દાન મેળવવા ઘણી સખાવતી સંસ્થાઓએ તૈયારી બતાવી હતી.

નીસ્ડન મંદિર તરફથી ફેલિક્સ પ્રોજેક્ટને સારો સહયોગ અપાય છે અને ગત દિવાળી દરમિયાન નવેમ્બર 2020માં લંડનમાં 40,000 ભોજન પહોંચાડવામાં આવ્યા હતા. ગયા વર્ષે કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને તેના હોલિસ્ટીક ઓઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત ફેલિક્સ પ્રોજેક્ટને મંદિરે ભોજન પૂરૂ પાડ્યું હતું.

નીસ્ડન મંદિરના સ્વયંસેવક કમલેશ પટેલે  જણાવ્યું હતું કે, “પૂ. મહંત સ્વામી મહારાજ બીજાઓને ટેકો આપવા પ્રેરણા આપે છે, ખાસ કરીને આ રોગચાળા દરમિયાન અમને ખબર છે કે ઘણી ચેરિટીઝ માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. અમે ફરી એકવાર ફેલિક્સ પ્રોજેક્ટના તેજસ્વી કાર્યને સમર્થન આપી જરૂરીયાતમંદ લોકોને જમાડવામાં મદદ કરતા આનંદ અનુભવીએ છીએ.’’

ધ ફેલિક્સ પ્રોજેક્ટના સીઈઓ માર્ક કર્ટિને ઉમેર્યું હતું કે “અમે આ વિશાળ મદદ માટે નીસ્ડન મંદિરના અતિ આભારી છીએ. તેમના ઉદાર સમર્થનથી, અમે ઘણી સખાવતી સંસ્થાઓ સુધી પહોંચીશુ જેઓ કોઈ પણ વ્યક્તિ ભોજન ન ચૂકે તે સુનિશ્ચિત કરવા માટે સખત પ્રયાસ કરી રહી છે.’’

ફેલિક્સ પ્રોજેક્ટ વિશે વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો : https://thefelixproject.org/