પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નોર્થ લંડનના બાર્નેટમાં બ્રુકસાઇડ સાઉથ ખાતે રહેતી બે બાળકોની માતા યી ચેન અને તેના 5 વર્ષના પુત્ર ડુઆનની મંગળવારે 21 જૂનના રોજ બપોરે લગભગ 1.35 વાગે તેના ઘરમાં જ છરીના ઘા મારીને હત્યા કરી દેવાઇ હતી.

લોકોએ તેમના ઘરની બહાર એકઠા થઇ મીણબત્તીઓ સળગાવી બાળક માટે હેરી પોટરના રમકડાં અને પ્લેકાર્ડ મૂકી શ્રદ્ધાંજલિ આપી હતી. લંડન એમ્બ્યુલન્સ સેવાના પેરામેડિક્સ દ્વારા એર એમ્બ્યુલન્સને પણ બોલાવાઇ હતી પરંતુ પ્રયત્નો છતાં યી ચેન કે તેના પુત્રને બચાવી શકાયા ન હતા. ડબલ મર્ડર અંગે 37 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરાઇ છે. તે યી ચેન અને તેના પુત્રને ઓળખતો હોવાનું મનાય છે.

બાર્નેટ સહિત નોર્થ વેસ્ટ પોલીસિંગ કમાન્ડર ચીફ સુપરિન્ટેન્ડેન્ટ સારા લીચે કહ્યું હતું કે “આ ભયંકર ઘટના અંગે આગળ આવી માહિતી આપવા વિનંતી છે. મેટના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટિવ્સની આગેવાની હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.’’